• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

દહેરાદૂનનો હચમચાવતો બનાવ

દહેરાદૂનમાં પૂર્વોત્તરના એક યુવાનને તેના ચીની જેવા ચહેરાને લીધે નિશાન બનાવીને નિર્મમ હત્યા કરી નાખવાના બનાવે આખા દેશને હચમચાવી મૂક્યો છે. ખાસ તો આ હત્યારી વંશીય વિચારધારાએ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે રોષ જગાવ્યો છે. દેશની એકતા અને અખંડિતતાની સામે જોખમરૂપ આ બનાવે ફરી એક વખત આવા વિચારો અને આચરણની સામે કડક કાયદાની માંગ જાગૃત કરી છે. દેશના અમુક ભાગના નાગરિકોને પોતે ભારતીય હોવાની સાબિતી આપવાની વારંવાર જરૂરત ઊભી થતી હોવાની હકીકત ખરા અર્થમાં શરમજનક છે. દહેરાદૂનમાં રહીને છેલ્લાં એક વર્ષથી એમબીએનો અભ્યાસ કરી રહેલા ત્રિપુરાના એન્જલ ચકમાની હત્યા કરાઈ હતી. નવમી ડિસેમ્બરે પોતાના ભાઈની સાથે બજાર ગયેલા એન્જલની સામે અમુક જણે વાંધાજનક ટિપ્પણી કરી હતી. 24 વર્ષના એન્જલે પોતે ચીની ન હોવાનો ખુલાસો કરીને વિરોધ કર્યો હતો, ત્યારે આરોપીઓએ તેમની ઉપર ચાકુથી હુમલો કરી નાખ્યો હતો. પોતે ભારતીય છે એમ કહેતા રહેતા એન્જલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વાભાવિક રીતે આ બનાવથી ત્રિપુરા ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અગાઉ પણ દિલ્હી સહિત દેશના ભાગોમાં આ વિસ્તારના નાગરિકોને તેમના ચહેરાને લીધે વંશીય હિંસા અને વાંધાજનક ટિપ્પણીનો સામનો કરવો પડયો છે, પણ દહેરાદૂનના બનાવે આ વરવી માનસિક્તાના લોહિયાળ ચહેરાને છતો કર્યો છે. 2021માં થયેલા એક સર્વેક્ષણ મુજબ ઉત્તર-પૂર્વના 78 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે, તેમના ચહેરા મોહરાને લીધે તેમને નિશાન બનાવાય છે. આ માનસિક્તા બતાવે છે કે, દેશના બાકીના ભાગના લોકો ઉત્તર-પૂર્વના રાજ્યો અંગે બહુ ઓછી માહિતી ધરાવે છે. દહેરાદૂન જેવા બનાવ સમયે દરેક વખતે કડક કાર્યવાહીની વાતો થાય છે, પણ તેમાંથી ખરો બોધપાઠ લઈને આવી માનસિક્તાને રોકવા કોઈ ધ્યાન અપાતું નથી. એન્જલનાં મોત બાદ સંખ્યાબંધ સંગઠનોને દેશમાં વંશીય આચરણની વિરુદ્ધ કડક કાયદાની માંગ કરી છે. ખેરખર આવો કાયદો હવે અનિવાર્ય બની ગયો હોય તેમ જણાય છે. આમે આ માનસિક્તા દેશની એકતા અને અખંડિતતાની ભાવનાની સામે જોખમરૂપ બની ગઈ છે. આની સાથોસાથ દેશભરના નાગરિકોને ઉત્ત-પૂર્વના લોકોના ચહેરા મોહરાની ખાસિયતથી માહિતગાર કરીને આવા બનાવ રોકવામાં સક્રિય બનવાની તાતી જરૂરત છે.

Panchang

dd