• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

નિરોણામાં છ દાયકા જૂનો કેનાલનો પુલ ધરાશાયી

નિરોણા (પાવરપટ્ટી), તા. 2 : ગામ વચ્ચેથી નખત્રાણા તરફ જતા રાજમાર્ગ વચ્ચે આવતી કેનાલ પરનો વર્ષો જૂનો પુલ તૂટી પડતાં દિવસ દરમ્યાન નખત્રાણા તરફના વાહનવ્યવહાર પર મોટી અસર ઊભી થઈ હતી. બપોર બાદ માર્ગ વિભાગ અને સિંચાઈ ખાતાના અધિકારીઓ દ્વારા જૂના જર્જરિત પુલને તોડી સિમેન્ટના પાઈપો ગોઠવી રસ્તો શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. નિરોણા સિંચાઈ યોજનાની કેનાલો પૈકી એક કેનાલ નિરોણા ગામ વચ્ચેથી નીકળી ઉત્તર સીમાડા તરફ નીકળે છે. નિરોણાથી નખત્રાણાના રાજમાર્ગ વચ્ચેથી નીકળતી આ કેનાલનાં નિર્માણ સાથે છ દાયકા અગાઉ પુલનું નિર્માણ થયેલું છે. હાલ બિબ્બર-લોરિયા રોડના ડામર રોડ તેમજ નિરોણા ગામ વચ્ચે એ પુલ પરથી આગળ જતાં સીસી રોડનું કામ પણ ચાલુ છે. એ દરમ્યાન રોડ વચ્ચેના પુલનો એક છેડો ધરાશાયી થઈ નીચે વહેતી કેનાલમાં ખાબકતાં રોડ વચ્ચે મોટું ગાબડું સર્જાયું હતું, જેને લઈ એ રોડ પરથી થતી અવરજવર થંભી ગઈ હતી. ગામ વચ્ચેના પુલમાં પડેલાં ગાબડાં અંગે ગામના સરપંચ નરોત્તમભાઈ આહીરે સિંચાઈ અને માર્ગ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. જેને લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જર્જરિત પુલના બાકી ભાગને તોડવાની કામગીરી હાથ ધરાઈ હમતી. તૂટેલા પુલનો કાટમાળ ખસેડી મોટા સિમેન્ટના પાઈપો ગોઠવી તેના પર સિમેન્ટ-કાંકરી પાથરવાની કામગીરી થયા પછી મોડી સાંજે વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો હોવાનું જણાવાયું હતું. લોકોના જણાવ્યા મુજબ લોરિયાથી બિબ્બર સુધીના ડામર રોડ તેમજ ગામ વચ્ચેના સીસી રોડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે. ગામ વચ્ચેથી નીકળતી ગટર અને પાણીની લાઈનોમાં અવાર-નવાર ભંગાણ પડે છે. વર્ષો જૂના પુલની કામગીરી બાદ જ સીસી રોડનું કામ કરવું જરૂરી હતું તેવું ઉમેર્યું હતું. 

Panchang

dd