ભુજ, તા. 2 : કચ્છમાં શિક્ષકોની મોટી ઘટના
કારણે હજુ થોડા સમય પહેલાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા `જ્યાં નિમણૂક, ત્યાં નિવૃત્તિ'ના નિયમ
હેઠળ ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ધોરણ એકથી પાંચ
માટે ફાળવાયેલા 2500 પૈકી માંડ
900 ઉમેદવારની ભરતી કરવામાં આવી
હતી, ત્યાં શિક્ષણ વિભાગે સામાન્ય ભરતીનું મેરિટ
લિસ્ટ બહાર પડતાં ખાસ ભરતીવાળા 150 જેટલા શિક્ષક પોતાના જિલ્લામાં જવા `વાડ'
ઠેંકવા તૈયાર હોવાનું જાણવા મળી
રહ્યું છે. - વતન જવા તલપાપડ
: સરહદી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કચ્છ
જિલ્લામાં શિક્ષકોની ઘટ એક માથાના દુ:ખાવાસમાન પ્રશ્ન બની રહ્યો હતો, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ માટે અગત્યનો
નિર્ણય લઈ આ જિલ્લામાં `જ્યાં નિમણૂક, ત્યાં નિવૃત્તિ'ના નિયમ
હેઠળ ધોરણ એકથી પાંચમાં 2500 અને ધોરણ
છથી આઠમાં 1600 શિક્ષક ભરતી કરવાનો નિર્ણય
લીધા બાદ ગત નવેમ્બર માસમાં આ ભરતીપ્રક્રિયા હાથ ધરાયા બાદ કચ્છને 2500માંથી માત્ર 900 જેટલા ઉમેદવાર મળ્યા હતા, જ્યારે ધો. છથી આઠની 1600ની ભરતી તો હજુ બાકી છે, ત્યાં તાજેતરમાં જ શિક્ષણ વિભાગે સામાન્ય ભરતીનું
મેરિટ લિસ્ટ જાહેર કરતાં આ લિસ્ટમાં કચ્છની ખાસ ભરતીમાં નિમણૂક પામેલા 100થી 150 જેટલા નામ આવતાં આ ઉમેદવારો
રૂા. ત્રણ લાખના બોન્ડ ભરી કચ્છમાંથી રાજીનામું આપી પોતાના વતન જવા તલપાપડ બન્યા છે.
જો કે, આજે જિલ્લા પંચાયત ખાતે આવેલા ઉમેદવારોએ સ્થાનિકે
જમા કરાવેલા દસ્તાવેજો આપવાની માંગ કરી રહ્યા હતા, જેથી તેઓ પોતાનો
જિલ્લો પસંદ કરી શકે, ત્યારબાદ અહીં રાજીનામું આપે (એટલે કે તેમને
બે હાથમાં લાડુ રાખવા છે) તેવી માંગ કરી રહ્યા હતા, જે નિયમ વિરુદ્ધ
હોવાનું શિક્ષણ વર્તુળોએ જણાવ્યું હતું. - સાડા છસ્સો છૂટા થયા હજુ 300 જેટલા બાકી : કચ્છમાં 900 જેટલી વિશેષ ભરતી (જેમાં મોટાભાગના
અન્ય જિલ્લાના) થયા બાદ 550 જિલ્લાફેરવાળા
અને 110 જેટલા બીએલઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. હાલ કચ્છમાંથી
ધોરણ એકથી પાંચમાં 5507ના મંજૂર
મહેકમ સામે 3989 શિક્ષક છે, તે પૈકી 474 જ્ઞાનસહાયક તરીકે ફરજ બજાવી
રહ્યા છે. - ધો. 1થી 8માં 2300 જેટલી ઘટ : આમ જો જ્ઞાનસહાયક ન લેખીએ, તો ચોખ્ખી ઘટ 1982 જેટલી થવા જાય છે, તેથી કચ્છની સ્થિતિ ઠેરની ઠેર રહી છે અને વિશેષ
ભરતીનો કોઈ અર્થ સર્યો ન હોવાનું શિક્ષણ વર્તુળો જણાવી રહ્યા છે. જ્યારે ધો. છથી આઠમાં
મંજૂર મહેકમ 3788 સામે 373 જગ્યા ખાલી પડી છે. જો કે, આ વિભાગની ભરતીપ્રક્રિયા હજુ ચાલી રહી છે. - સ્થાનિક ભરતી જ વિકલ્પ : કચ્છમાં સરકાર ગમે તેટલા શિક્ષકોની ભરતી
કરે પણ જ્યાં સુધી સ્થાનિક ઉમેદવારની ભરતી નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આવશે
નહીં, કેમ કે અન્ય જિલ્લાના આવતા ઉમેદવારો ગમે તેમ
કરીને પોતાનાં વતનમાં ચાલ્યા જ જવાના છે, તેવો મત શિક્ષણ તજજ્ઞો
વ્યક્ત કરી રહ્યા છે. - પ્લેસમેન્ટ
કરાય : કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન સદાય સળગતો
રહે છે, ત્યારે જો
ખાનગી કંપનીઓ જેમ કોલેજો છાત્રોને પ્લેસમેન્ટ કરે છે, તેમ સરકાર પણ બી.એડ. અને પી.ટી.સી. કોલેજોમાંથી ઉમેદવારોને પસંદ કરી ભરતી કરે
અને જેમ સરકારમાં ભરતી થયા બાદ ખાતાકીય પરીક્ષાઓ યોજાય છે, તેવી
રીતે ટેટ-ટાટ પરીક્ષા લેવામાં આવે તો અનેક સ્થાનિકના ઉમેદવારો મળી શકે તેવો સૂર જાણકારો
વ્યક્ત કરી રહ્યા છે.