અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી)
: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા
મોટા પાયે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતીના ભાગરૂપે આજે ગાંધીનગર મહાત્મા
મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પર કક્ષાના ઉમદવારો મળીને
કુલ 4,742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત
કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક રૂપે ચાર ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત
કર્યા હતા તેમજ વાહન વ્યવહાર નિગમ દ્વારા બનાવવામાં આવેલી જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલનો
પણ આરંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ નવી નિમણૂંક પામેલા ઉમેદવારોને રાજ્યની પરિવહન
વ્યવસ્થાના પ્રહરી ગણાવ્યા હતાં. આ અંગે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની વાહન વ્યવહાર
વ્યવસ્થાનો કાયાપલટ કર્યો અને જરીપુરાણી જૂની બસોમાંથી એસી વોલ્વો જેવી બસો આજે નાગરિકોની
સેવામાં કાર્યરત કરી છે. રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભી કરી છે
તેને સારી રીતે સાચવવાની મહત્વની જવાબદારી બસ ડ્રાઈવર્સ અને હેલ્પર્સના શિરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,
જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હોય છે, ત્યારે હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો,
ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી. નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ
વર્ષના 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહે છે.