ગાંધીધામ, તા. 2 : અબડાસાના સુથરી ગામે બસ વાળવા
મુદ્દે ઉશ્કેરાયેલા એક શખ્સે એસ.ટી. બસના આગળ-પાછળના કાચ તોડી નુકસાન કર્યું હતું.
માંડવી ડેપોની માંડવી-નલિયા-સુથરી રૂટની બસ નંબર જીજે-18-ઝેડ-3082વાળી બસ ગત તા. 31/12ના બપોરે ઉપડી હતી, જેમાં ચાલક એવા ફરિયાદી રઘુવીરસિંહ બળદેવસિંહ
જાડેજા અને કંડક્ટર નટુભા રાઘુભા જાડેજા હાજર હતા. આ બસ સાંજે સુથરી પહોંચ્યા બાદ બધા
મુસાફરો ઊતરી ગયા હતા, ત્યારે ચાલક પોતાની બસ વાળવા જતાં ત્યાં
ઊભેલા છકડાના ચાલકે માથાકૂટ કરી હતી અને કુહાડી કાઢી મારવા આવ્યો હતો. લોકોએ તેને પકડી
પાડયો હતો. બાદમાં બસને પાર્ક કરી ડ્રાઇવર-કંડક્ટર જૈન ધર્મશાળામાં આરામ કરવા ગયા હતા,
તેવામાં થોડીવાર બાદ રાડારાડનો અવાજ આવતાં આ બંને બસ બાજુ ગયા હતા,
ત્યારે છકડાચાલક પરેશ જુમા કોળી ધોકા વડે બસના કાચ તોડી રહ્યો હતો. રૂા.
30,000નું નુકસાન કરનારા આ શખ્સ સામે
પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.