વિશ્વનો કોઈ દેશ એરલાઇન્સના
ધબડકાથી સુરક્ષિત નથી. એક તો ટૂંકા માર્જિનનું બિઝનેસ મોડેલ, ખર્ચાળ કામગીરી અને
વધુમાં તાતિંગ જાળવણી ખર્ચ તથા તબલાંતોડ કરવેરાને કારણે આ ઉદ્યોગમાં ટકી રહેવું
તંગ દોર પર ચાલવા જેવું છે. ઇન્ડિગો એરલાઇન્સની કામગીરીમાં સર્જાયેલા વિક્ષેપને
પગલે ઊભી થયેલી કટોકટી અને હાલાકી જોતાં ઉડ્ડયન મંત્રાલયે બે પ્રસ્તાવિત
એરલાઇન્સને એનઓસી આપી છે. ભારતીય આકાશમાં ઉડાન ભરવા તત્પર એવન હિન્દ એરલાઇન્સ અને
ફ્લાય એક્પ્રેસને સરકારે નાહરકત પ્રમાણપત્ર આપ્યાં છે. શંખ એરને તો આ પહેલાં જ
એનઓસી અપાયું હતું. જો કે, નિષ્ણાતોના મતે નવી એરલાઇન્સને
મંજૂરી આપવામાત્રથી આ સમસ્યા ઉકેલાશે નહીં, કેમ કે, ભારતમાં આ ક્ષેત્રમાં માળખું જ એવું છે કે અન્ય તમામ ભાગધારકોને ગોળ અને
એરલાઇન્સના ભાગે ખોળ આવે છે. કેટલાક અપવાદ બાદ કરતાં છેલ્લાં પચીસેક વર્ષમાં બંધ
પડેલી નવ ભારતીય એરલાઇન્સના કિસ્સામાં આ માળખાંકીય ખામીએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી
છે. છેલ્લા થોડા વખતમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, દેશમાં
માત્ર ત્રણ જ મુખ્ય એરલાઇન્સ અસ્તિત્વમાં છે અને એમાંય એકલી ઇન્ડિગો બજારના 60 ટકાથી
વધુ હિસ્સા પર વર્ચસ્વ ધરાવે છે. આના કારણે લગભગ એકહથ્થુ ઇજારાશાહી જેવી પરિસ્થિતિ
સર્જાઈ છે, જે
પ્રવાસીઓ માટે હાલાકી અને આ ઉદ્યોગ માટે ગ્રહણ સાબિત થઈ છે. ભારતમાં વારંવાર એવું
જોવા મળ્યું છે કે, એરલાઇન્સ વિકસે તેમ નિયમનકારી બંધનો અને
માર્ગદર્શિકાઓમાંથી છૂટ મેળવવા તેઓ પોતાના કદ અને પહોંચનો દુરુપયોગ કરતી હોય છે.
ઇન્ડિગોના કિસ્સામાં પણ આવું જ થયું છે. પાઇલોટ્સની ડ્યૂટીના કલાકો અંગેના નિયમોને
પોતાની તરફેણમાં કરાવવા ઇન્ડિગોના સંચાલકોએ કરેલી રમતને કારણે હાલની અંધાધૂંધી
સર્જાઈ છે. જો કે, કેટલાક કિસ્સામાં (જેટ, સહારા અને કિંગફિશર) માલિકોના ગોરખધંધા અને ખોટી ગણતરીઓએ એરલાઇન્સને
ડૂબાડી હતી. વળી, એવિયેશન ફ્યુઅલના ભાવ વિનિમય દર સાથે સીધા
જોડાયેલા હોવાથી એ જોખમ પણ મોટું ગણાય. આમ છતાં, આ ઉદ્યોગમાં
સ્પર્ધા હોવી એની અસર એકથી વધુ વાર ઊંધી થઈ હોવાનું પણ જોવા મળ્યું છે. આવામાં,
વધુ એરલાઇન્સને છૂટ આપવાથી બધું સમુંસૂતરું થઈ જશે એવી આશા રાખવી
વધારે પડતી છે. એરલાઇન્સ ચલાવવી એ ખર્ચાળ
કામ છે અને એમાંય ભારતનું સ્થાન વિશ્વમાં ઉચ્ચ એરલાઇન્સ ઓપરાટિંગ ખર્ચ ધરાવતા
દેશોમાં આગળ પડતું છે. આવામાં, સરકાર નવી એરલાઇન્સને મંજૂરી
આપવાને બદલે આ ખર્ચ ઘટાડી શકાય એવાં પરિબળો પર ધ્યાન આપે એ સમયની માંગ છે. નવી
એરલાઇન્સ શરૂ કરવી કદાચ પ્રમાણમાં આસાન છે, પણ તેનાં વિમાનો
હવામાં ઊડતાં રહે એની તકેદારી રાખવી મુશ્કેલ છે. વિમાનપ્રવાસ પહેલાંની જેમ લક્ઝરી
રહ્યો નથી. વળી, આ પ્રવાસ સામાન્ય માણસના ગજામાં રહે એ
માટેના પ્રયાસો સરકાર કરી રહી હોય ત્યારે ખર્ચ અને કરવેરા આ બે બાબતો પર ધ્યાન
આપવાની તાતી જરૂર છે. 2022માં એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ
હવે આ એરલાઇન્સ તાતા જૂથ હેઠળ છે અને સરકારી માલિકીની એકમાત્ર અલાયન્સ એરલાઇન્સ
નાનાં શહેરોને એકમેક સાથે જોડે છે. સરકારની ઉડાન યોજના હેઠળ નાની એરલાઇન્સને
પ્રોત્સાહન આપવાની નીતિ છે અને તે કારગત નીવડી છે. આશા રાખીએ કે નાગરિક ઉડ્ડયન
ક્ષેત્રમાં નાગરિકોની હાલાકી ઓછી થાય.