અગ્નિવીર યોજના અંતર્ગત શહીદોના
જવાનોને મોદી સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવતી નથી, એવા વિપક્ષ નેતા અને કોંગ્રેસ
સાંસદ રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપને રદિયો આપતાં ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ
મૂકી છે કે, અગ્નિવીર અજયકુમારના પરિવારને 98.39 લાખ રૂપિયા અપાયા છે. બાકીના 67 લાખ
રૂપિયા પોલીસ વેરિફિકેશન અને અન્ય કાર્યવાહી બાદ છૂટા કરવામાં આવશે. આ રીતે અગ્નિવીરના
પરિવારને 1.6 કરોડ રૂપિયા મળશે. જો કે, આ કમનસીબી છે કે, રાહુલ ગાંધીના લોકસભામાં આક્ષેપ
પછી તેમનાં જૂઠાણાનો પર્દાફાશ કરવા માટે સેનાએ આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી. રાહુલે
જ્યારે લોકસભામાં આક્ષેપ કર્યો ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લોકસભામાં તેનું
ખંડન કર્યું હતું, પણ રાહુલ ગાંધી પોતાનાં જૂઠાણાને સત્યનું રૂપ આપવા અગ્નિવીર અજયકુમારના
પિતાના જૂનાં નિવેદનનો હવાલો આપી ભારપૂર્વક કહ્યું કે, તેઓને હજી સુધી નાણાં મળ્યાં
નથી. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે, હવે તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેમનાં
દરેક નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે. આથી બોલતાં પહેલાં પૂરું હોમવર્ક કરવું
જોઈએ, પણ તેમણે આવી જહેમત ઊઠાવી નહોતી. રફાલ વિમાનના સોદા બાબતે પણ તેમણે ઇરાદાપૂર્વક
જૂઠાણું ચલાવ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટમાં માફી માગવી પડી હતી, પણ લાગે છે કે,
અનુભવમાંથી કશું જ ન શીખવું એવો દૃઢ નિર્ધાર રાહુલે કર્યો છે. બેન્ક રેકર્ડ બોલે છે
કે અગ્નિવીર અજયકુમારના પરિવારજનોનાં બેન્ક એકાઉન્ટમાં ફેબ્રુઆરી અને જૂનમાં ક્રમશ:
10થી 48 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. ખુદ સંરક્ષણ પ્રધાને આ યોજનાની સમીક્ષા
કરી સુધારા કરવાની વાત કરી છે, પણ રાહુલને તો કશું જ સાંભળવું નથી. દેશને ઇરાદાપૂર્વક
ગેરમાર્ગે દોરવા અને સાથે જ અગ્નિવીરો અને તેમના પરિવારોનું મનોબળ તોડવાના પ્રયાસોને
લઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જો કે, આવી કોઈ પહેલ થાય છે, તો કેંગ્રેસ અને
તેના સહયોગી પક્ષોના નેતાઓ પાસે હાથવગું હથિયાર છે જ-અમારા અવાજને દાબી દેવાય છે અને
બંધારણ જોખમમાં છે. જો કે, વાણીસ્વાતંત્ર્યના નામની દુહાઈ આપનારા કેટલાક નેતાઓ વાણીવિલાસમાં
બહુ આસાનીથી સરી પડે છે અને જૂઠાણા ફેલાવવાની તેમની સૂઝ ગજબની છે. અભિવ્યક્તિની આઝાદીના
નામે ખોટું બોલતી વખતે રાહુલને બંધારણ કે લોકતંત્ર યાદ આવતા નથી. સંરક્ષણ-સુરક્ષા જેવી
બાબતોમાં જૂઠાણાની રાજરમત ખેલવી એ બિનજવાબદારપણાની પરાકાષ્ઠા છે. જો આ ચલણને રોકવામાં
નહીં આવે તો રાહુલ ગાંધી જેવા નેતાઓ સ્વાર્થોને સિદ્ધ કરવા માટે છળકપટ અને જૂઠનો આસરો
લેવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અગ્નિવીર અંગે લોકસભામાં ખોટી માહિતી આપવા બદલ રાહુલ
ગાંધી માફી માગે.