• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ઠંડીનો કહેર શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં ગરમ કપડાંની ખરીદી

કોટડા (ચ.), તા. 24 : કચ્છમાં કાતિલ ઠંડીનો કહેર શરૂ થતાં જ ગામડાંની બજારો ગરીબ-મજૂર વર્ગ માટે ગરમીની સંજીવની બની છે, ગામડાંની બજારોમાં ગરમ કપડાંની વધતી માંગ વધી છે. છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વહેલી સવાર અને મોડી સાંજના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે. આ વર્ષે ઠંડીનું પ્રમાણ અગાઉનાં વર્ષોની સરખામણીમાં વધુ અનુભવાઈ રહ્યું છે, જેના કારણે લોકો માટે ગરમ કપડાં અનિવાર્ય બની ગયાં છે. શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની અસર સમાન રીતે વર્તાઈ રહી છે. કોટડા, ચકાર, કુકમા, પદ્ધરથી આગળ ખાનગી એકમ પાસેનો વિસ્તાર, માધાપર સહિતના વિસ્તારોમાં ગામડાંની બજારોમાં ગરમ કપડાંની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઠંડી શરૂ થતાં જ રસ્તાની બાજુઓ પર અસ્થાયી સ્વરૂપે ગરમ કપડાં વેચાણની દુકાનો ઊભી થતાં બજારમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. બજારો ગરીબ, મજૂર અને મધ્યમ વર્ગ માટે મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે. અહીં 50 રૂપિયાથી શરૂ થતાં ગરમ કપડાં તેમજ 100થી 150 રૂપિયામાં સારી ગુણવત્તાવાળા સ્વેટર, જેકેટ, શાલ, મફલર, ટોપી અને મોજાં ઉપલબ્ધ થતાં મોંઘવારીના સમયમાં સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ બન્યા છે. આસપાસના ગામડાઓ ઉપરાંત ખેતી અને મજૂરીના કામ માટે કચ્છમાં આવેલા ડાંગ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોના શ્રમિકો પણ આ બજારોમાંથી પોતાની જરૂરિયાત મુજબ ગરમ કપડાં ખરીદી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આ બજારો તેમના માટે સમયસર સહાયક બની રહી છે. ઠંડીના કડક માહોલ વચ્ચે ગામડાંની બજારોમાં વધેલી ખરીદીથી વેપારીઓમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે. સવારથી સાંજ સુધી ચાલતી અવરજવરથી સમગ્ર વિસ્તારમાં બજાર જેવી ચહલપહલ અને રોનક છવાઈ ગઈ છે. 

Panchang

dd