ગાંધીધામ, તા. 6 : છેલ્લા લાંબા સમયથી સાયબર ક્રાઈમ સંલગ્ન જુદા-જુદા બનાવોએ માથું ઊંચકયું છે તેવામાં અજાણ્યા ભેજાબાઝે ગાંધીધામની એક વેપારી પેઢીનું બેન્ક ખાતું કોઈ પ્રકારે હેક
કરીને તેમાંથી 8.46 કરોડની ઉઠાંતરી કરીને ઓનલાઈન
છેતરપિંડીના બનાવને અંજામ આપ્યો હોવાનો કિસ્સો
સપાટી ઉપર આવ્યો હતો. સમગ્ર મામલે રોટરી સર્કલ
પાસે આવેલા સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં મારુતિનંદન લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડ કંપનીના
દિલીપભાઈ કરશનભાઈ મોકરિયા (બ્રાહ્મણ)એ અજાણ્યા
આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ઓનલાઈન છેતરપિંડીનો આ બનાવ તા. 4/11/2026ના 6.58થી 7.48 સુધીના અરસામાં બન્યો હતો.
પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદીના સી.સી.ઓ.ડી. બેંક ખાતામાંથી કોઈ પણ પ્રકારના ઓટીપી અથવા ઓથોરાઈઝેશન વિના નેટબેન્કિંગ
સંચાલન મેળવીને કંપનીનાં ખાતામાંથી જુદા-જુદા 211 વ્યવહાર કર્યા હતા, જેમાંથી
કુલ 209 વ્યવહારમાંથી
કુલ રૂા. 8,46,07849 જેટલી રકમની ઉઠાંતરી કરી હતી.
ઓનલાઈન છેતરપિંડીનો બનાવ અટકાવવા માટે ફરિયાદીએ બેન્કના મેનેજરને પણ કંપનીના ડેબિટ
ફ્રીઝ કરવા રજૂઆત કરી હતી, પણ બેન્ક ખાતું
ફ્રીઝ થયું ન હતું અને વધુ ટ્રાન્ઝેક્શન થઈ
રકમ કપાઈ ગઈ હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું
છે. ઓનલાઈન છેતરપિંડીના વધુ એક બનાવને અંજામ આપીને ટેક્નોલોજી સજ્જ અજાણ્યા આરોપીઓએ
પોલીસને વધુ એક પડકાર ફેંક્યો હતો.