ભુજ, તા. 6 : દિવાળી અને ધનતેરસ જેવા પવિત્ર
તહેવારોમાં પોતાનાં વતન આવી રહેલા કચ્છીમાડુઓને ખાનગી બસ સંચાલકોની ઘોર બેદરકારી અને
અવ્યવસ્થાનો ભોગ બનવું પડયું છે. મુંબઈ અને અમદાવાદથી કચ્છ આવી રહેલા યાત્રીઓને અધવચ્ચે
અંજાર હાઈ-વે પર ઉતારી દેવાતાં મુસાફરોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. મુંબઈથી ભુજ આવવા
નીકળેલા વિનયભાઈ સીજુ અને તેમના સાથી મુસાફરોએ આપવીતી જણાવતા જણાવ્યું કે, તેઓ 5મી નવેમ્બરે પટેલ ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી વાયા અમદાવાદ થઈ
ભુજ આવવા માટે નીકળ્યા હતા, પરંતુ બસચાલકોએ
બસ માત્ર અંજાર સુધી જ જશે તેવું જણાવતાં ભુજના 15 જેટલા મુસાફરે ભારે વાંધો ઊઠાવ્યો
હતો. મુસાફરોના વિરોધ સામે ટ્રાવેલ્સવાળાએ `પાછળ બીજી બસ આવે છે, જે તમને ભુજ પહોંચાડી દેશે' તેવું જૂઠું આશ્વાસન આપીને
તમામ 15 મુસાફરને અંજાર હાઈ-વે પર ઉતારી
દીધા હતા. બસ સંચાલકોના ભરોસે અંજાર હાઈ-વે પર ઉતરી ગયેલા યાત્રીઓએ રસ્તો પર જ ત્રણ
કલાક વિતાવ્યા પછી જે છોડી ગઈ હતી તે જ બસમાં ભુજ સુધી આવવા રવાના થયા હતા. આ ગંભીર
બેદરકારીને કારણે મુંબઈથી સારવાર કરાવી પરત ફરી રહેલા દીપકભાઈની રોડ પર કલાકો સુધી
બેસી રહેવાના કારણે તબિયત લથડી ગઈ હતી, જ્યારે અન્ય એક મુસાફર જેમણે વર્ષોનાં સ્વપ્ન બાદ ધનતેરસના દિવસે નવી ગાડીની
ડિલિવરી લેવા સમયસર ભુજ ન પહોંચી શકતાં તેમનું શુભ મુહૂર્ત પણ ચુકાઈ ગયું હતું. - બસ રૂટ મર્જ કરીને સીટ બાકિંગમાં
ધાંધિયા : અગાઉ પણ આવી જ રીતે ગાંધીનગરથી ભુજ આવતી
એક ખાનગી બસમાં બે અલગ-અલગ રૂટની બસને ભેગી (ક્લબ) કરી દેવામાં આવી હતી, જેના કારણે એક જ સીટ નંબર પર બે-બે મુસાફરોનાં
બાકિંગ થઈ ગયાં હતાં. પરિણામે, અગાઉથી આગળની સીટ બૂક કરાવનારા
વડીલો અને સિનિયર સિટીઝનોને પાછળની સીટ પર એડજેસ્ટ થવાની ફરજ પાડવામાં આવી હતી.