• શનિવાર, 07 નવેમ્બર, 2026

સોના-ચાંદી બજાર માટે સારા શુકન : ધનતેરસે ધૂમ ખરીદી

ભુજ,તા.6 : આજથી એકાદ મહીના પહેલા સોના-ચાંદી બજારમાં ભાવવધારા અને દુષ્કાળ સહિતના પરિબળોને કારણે સૂનકાર વ્યાપેલો હતો અને વેપારીઓના ચહેરા પર એવો ઉચાટ તરવરતો હતો કે દિવાળી કેવી જશે? પણ તાજેતરના દિવસોમાં સુવર્ણ અને રજતની કિંમતોમાં ઘટાડાને લીધે પહેલી નવેમ્બરે રવિ પુષ્ય નક્ષત્રના દિવસથી કચ્છની સુવર્ણ બજારમાં છૂટીછવાઈ ખરીદીનો દોર શરૂ થયો હતો અને  આજે તેની પરાકાષ્ઠાએ ધનતેરસના શુભ દિવસે ખાસ કરીને બપોર બાદ ખાસ્સી ઘરાકી નીકળી હતી. અલબત્ત,લોકોએ મોટે ભાગે હળવા દાગીના અને સિક્કાની વિશેષ ખરીદી કરી હતી. કચ્છભરમાં અંદાજે પ0 કિલો  સોનાના ઘરેણા તેમજ સિક્કા,લગડીની ખરીદી નોંધાઈ હતી. સાથે જ ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલી ગયો છે ત્યારે લોકોએ રજતની પણ ધૂમ ખરીદી કરી હતી. બેશક, ગ્રામ્ય વિસ્તારના લોકોની ઘરાકી દર વર્ષની તુલનાએ થોડી ઓછી રહી હતી. પણ શહેરી ઘરાકોએ રોનક લાવી દીધી હતી અને અમુક સ્થળે તો સિક્કા પણ ખૂટી પડયા હતા. ભુજ બુલિયન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશીના જણાવ્યા અનુસાર ભુજ સહિત કચ્છની બજારમાં આજે ધનતેરસના ધાર્યા કરતાં પણ વધુ ખરીદી થઈ હોવાનું જોઈ શકાય છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડાને લીધે છએક મહિનાથી લોકોએ ખરીદી ઓછી કરી હતી પણ આજે જાણે સાટું વાળ્યું હોય એમ લોકોએ આજે અને હકીકતમાં થોડા દિવસથી જ સારી ખરીદી કરી છે. અગ્રણી વેપારી હિતેશ પ્રભુદાસભાઈ સોની કહે છે કે બજારોમાં બહુ સારી ઘરાકી નોંધાઈ છે. જ્વેલર્સને આજથી બે મહીના પહેલા આટલી સારી ઘરાકીની આશા નહોતી પણ તાજેતરમાં ભાવ ઘટયા છે અને બીજું લોકોની ખરીદશક્તિ પણ સુધરી છે. ચાંદીમાં સિક્કાનો સારો ઉપાડ થયો છે તો શુભ મનાતી ચાંદીની માછલી,કાચબા અને નાનામોટા દાગીનાની સારી ખરીદી થઈ છે. બાકી હવે લોકો ઈન્વેસ્ટમેન્ટના હિસાબે પણ ફાઈન ગોલ્ડની સારી ખરીદી કરે છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસીએશન, ગુજરાતના ઉપપ્રમુખ અને અંજાર બુલિયન એસોસીએશનના પ્રમુખ ફોરમ પોમલ કહે છે  કે અંજારમાં પણ આજે સારી ઘરાકી નીકળી હતી. લોકોએ શુકન સાચવ્યૃ છે.સિક્કા ઉપરાંત નાના દાગીના,મૂર્તિ,નાના વાસણો વગેરેની ખરીદી સારી હતી તો હાલમાં ગિફ્ટ આર્ટિકલની સારી માંગ છે. આમ તો નવરાત્રી બાદથી બજારમાં વાતાવરણ સુધર્યું હતું અને રવિવારે પણ નોંધપાત્ર ખરીદી થઈ હતી. અંજારની આસપાસના ગામડાઓના લોકોની ખરીદી પણ સારી હતી. દિપોત્સવી પર્વના આરંભે ધનતેરશના દિવસે ગાંધીધામ સંકુલમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરીને  લોકોએ સુકન સાચવ્યું હોવાના અહેવાલો સાંપડયા હતાં.  ગત દિવાળીની સરખામણીએ  સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા લોકોએ  લાઈટ વેઈટ ખરીદી કરી હોવાનું વેપારીઓએ ચહેરા ઉપર  હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું. ગાંધીધામમાં રીવા  જવેલર્સના ધવન કોડરાણીએ આનંદ સાથે કહ્યું હતું કે સોનાના સીક્કા અને નાની વસ્તુઓની  મોટા પ્રમાણમાં ખરીદી કરીને ધનતેરશનું સુકન સાચવ્યું હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની પણ ખરીદી ઉત્સાહ સાથે કરી હોવાનું ઉમેર્યુ હતું.  તેમજ  રીવા જવેલર્સ દ્વારા  10 હજારની ખરીદી ઉપર કરોડોના બમ્પર ઈનામ જીતવાની તક આપતી યોજનાનો  લોકોએ સારો લાભ લીધો હોવાનું કહ્યું હતું. નખત્રાણાથી પ્રતિનિધિના હેવાલ મુજબ સોના ચાંદીના ભાવ ઘટયા હોવાના કારણે ધનતેરસના દિવસે ધારણાથી વિશેષં ઘરાકી નીકળી હતી તેવું કચ્છ જિલ્લા સોના ચાંદીના પ્રમુખ હીરાલાલભાઈ સોનીએ જણાવ્યું હતું તથા મહેશભાઈ સોનીના જણાવ્યા મુજબ લોકોએ બે કરોડ જેટલી કિંમતના સોના ચાંદીના ઘરેણા ખરીદયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd