• શનિવાર, 07 નવેમ્બર, 2026

જૂના ડ્રાઇવિંગ લાઇસન્સધારકો માટે નવી સમસ્યા

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 6 : જૂના લાયસન્સ રિન્યૂ કરાવતી સમયે રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ ન હોય, તો આરટીઓ કચેરીમાં બેક લોગ અપલોડ કરાવવા પડતા હોય છે. છેલ્લા થોડા સમયથી સરકાર દ્વારા બેકલોગની પ્રક્રિયા કેન્દ્રીયકૃત કરીને ગાંધીનગર ખસેડાતાં લોકોની તકલીફ ઘટવાને બદલે વધવાનો તાલ સર્જાયો છે અને કચ્છના આશરે 600થી વધુ લાયસન્સધારકો હાલમાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને લોકપ્રતિનિધિઓનાં માધ્યમથી સરકાર પાસે ઝડપથી બેક્લોગ એપ્રુવલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ પણ થઈ રહી છે. આ સમસ્યા માત્ર જૂના લાયસન્સધારકોને જ નહીં જૂના આરસી બૂકધારકોને પણ સમાન રીતે અસર કરતી હોવાથી લોક સમસ્યા બેવડાઈ હોવાની રાવ ઊઠી છે. - સ્થાનિકે બેકલોગ એપ્રુવલ બંધ : અગાઉ કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ કે આરસી બૂકનો રેકોર્ડ આરટીઓમાં ઓનલાઇન ઉપલબ્ધ ન હોય, તો આધાર પુરાવા રજૂ કર્યા બાદ સ્થાનિક આરટીઓ કચેરીમાં જ અધિકારી કક્ષાએથી એપ્રુવલ મળી જાતા હતા અને લાઇસન્સધારકો પોતાનું લાયસન્સ રિન્યૂઅલ કરાવી લેતા હતા.પરંતુ થોડા સમયથી સરકારે એક પરિપત્ર દ્વારા સ્થાનિક કચેરીનું આ કામકાજ એકીકૃત કરીને ગાંધીનગર કક્ષાએ ખસેડતાં હવે બેકલોગ સુધારા માટે પ્રક્રિયા રાજ્યસ્તરે ખસેડાઇ ગઈ છે. આમ થવાને કારણે સ્થાનિક આરટીઓ કચેરીઓમાં એપ્રુવલનું કામ બંધ થઈ ગયું છે. - બેકલોગ શા માટે? : જૂના લાયસન્સ રિન્યૂ કરાવવા હોય, તો તેનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ હોવો જોઈએ, પરંતુ ઘણી વખત બહુ જૂના વાહનોના રેકોર્ડ્સ ઓનલાઇન ઉપલબ્ધ હોતા નથી આવું ને આવું લાયસન્સમાં પણ થતું હોય છે. બહુ જૂના લાયસન્સ હોય, તો તેનો કોઈ રેકોર્ડ ઓનલાઈન બોલતો હોતો નથી. રેકોર્ડ ઓનલાઇન કરાવવાનું ભરણ પણ વાહનધારકનાં માથે હોવાથી વાહનધારકે જ આરસીબૂક કે લાયસન્સના રેકોર્ડને ઓનલાઇન કરવાની જવાબદારીનું વહન કરવું પડે છે. - જો લાયસન્સ કે આરસી રિન્યૂ ન થાય તો? : કાયદાકીય રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ કે આરસીબૂક વિના  વાહન ચલાવવું ગુનો બનતો હોય છે. કોઈ લાયસન્સધારકનું લાયસન્સ બેકલોગ થયા વિના એકસપાયર થઈ જાય અને તે વાહન ચલાવતો રહે, તો કાયદાકીય રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આવી સ્થિતિમાં વાહન ડીટેઇન થાય, તો વાહનધારકને ચારેક હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે અને જો અકસ્માત જેવી ગંભીર ઘટના સર્જાય, તો કાનૂની પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે, આમ લાયસન્સ બેકલોગ ન થવાથી ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. - ગાંધીનગર કક્ષાએ બેકલોગ એપ્રુવલ થવાને કારણે સર્જાતી સમસ્યા : રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં બેકલોગ કામગીરી ગાંધીનગર ખસેડાયા બાદ હાલમાં એક-દોઢ મહિનાથી એપ્રુવલ ન થયા હોય તેવા માત્ર કચ્છ જિલ્લામાં જ 500થી 600 લાયસન્સધારક છે, તો આખા રાજ્યમાં આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. - જલ્દી નિરાકરણની ઊઠતી માંગ : લાઇસન્સધારકો અને જૂના આરસીબૂકધારકો ગાંધીનગર ખસેડાયેલી રેકોર્ડ બેકલોગ એપ્રુવલની પ્રક્રિયામાં ઝડપ આવે તેવું ઇચ્છી રહ્યા છે. એપ્રુવલ ન થવાને કારણે લાયસન્સ એક્સપાયર થઈ જતાં હોવાને કારણે પણ અનેક લોકો પરેશાન છે, ત્યારે સરકાર કક્ષાએથી કે વાહન વ્યવહાર કમિશનર કક્ષાએથી આ અંગે સંજ્ઞાન લઈને કોઈ વ્યવસ્થા ગોઠવાય તેવી માગણી થઈ રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd