• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

રાજ્યની સાથે કચ્છમાં વકીલો બીજા દિવસે કામથી અળગા રહ્યા

ભુજ, તા. 6 : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અને માર્ગદર્શન મુજબ, `નવા ગુજરાત ભાડા વિધેયક 2026'ના વિરોધમાં ભુજ સહિત કચ્છભરમાં વકીલોની હડતાળ બીજા દિવસે યથાવત્ રહી છે. ભુજ બાર એસોસીએશન દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય બીજા દિવસે યથાવત્ રહ્યો હતો. જો કે, સાંજે હડતાળનો અંત આવતાં આજથી કોર્ટની કામગીરી રાબેતા મુજબ આગળ ધપશે. બીજા દિવસે કોર્ટથી જ્યુબિલી ગ્રાઉન્ડ અને ટાઉનહોલ થઇ કોર્ટ સુધી વકીલો દ્વારા વિશાળ રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરાયો હતો. આ રેલીમાં બહોળી સંખ્યામાં વકીલો જોડાયા હતા. - શા માટે નવા વિધેયકનો વિરોધ ? : ભુજના સિનિયર એડવોકેટ્સની ખાસ માટિંગમાં નવા કાયદા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા અને નક્કી થયેલા મુદ્દાઓના આધારે પ્રાથમિક તબક્કે એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે આ કાયદામાં અનેક ગંભીર ખામીઓ છે.  ભુજ બાર એસોસીએશનના મંત્રી મલ્હાર બૂચ દ્વારા `રેન્ટ એક્ટ'ના નવા ખરડા અંગે શા માટે વિરોધ છે અને તેની પ્રજા પર શું વિપરીત અસરો પડશે તે અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. આવો કાયદો લાગુ પાડતાં પહેલાં પબ્લિકનો અભિપ્રાય લેવો અત્યંત જરૂરી બને છે, કારણ કે આ વિધેયકનો સીધો ભોગ પ્રજા બનશે. - અનેક કાયદાકીય વિસંગતતાઓ : ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અને જૂના ભાડા કાયદામાં પૂરતી જોગવાઈઓ હોવા છતાં નવો કાયદો લાવવાથી માત્ર વિરોધાભાસ અને ટેકનિકલ પ્રશ્નો જ ઊભા થશે. આ વિધેયકની કલમ 36 ભારતીય ન્યાય સંહિતા અને સિવિલ પ્રોસિઝર કોડ સાથે પરસ્પર વિરોધાભાસી છે. - ન્યાયમાં વિલંબ થશે : હાલના રેન્ટ એક્ટમાં નાયબ કલેકટરને સત્તા આપવામાં આવેલ હતી, પરંતુ તે રેન્ટ એક્ટની કલમ 17(ડી) તળેના કેસો સમયે પણ અનુભવ થયો હતો, ત્યારબાદ અનેક ટેકનિકલ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેથી મહેસૂલી અધિકારીઓને સત્તા સોંપવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ગૂંચવાશે.  ભુજ બાર અને કચ્છ બારના પ્રમુખ શ્રી સચિનભાઈ ગોર દ્વારા બહોળી  સંખ્યામાં  સિનિયર -જુનિયર તેમજ મહિલા વકીલોની હાજરી અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. . - આજથી વકીલોની ન્યાયિક કામગીરી શરૂ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તા. 6/10/2026ના પત્ર મુજબ સરકાર સાથે ભાડા વિધેયક 2026 અંગે વાટાઘાટોના અંતે સમાધાન થતાં તા. 7/10થી અદાલતનું તમામ ન્યાયિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે તથા કામકાજથી અળગા રહેવાનો ઠરાવ-હડતાળ બુધવારથી રદ ગણાશે જેની નોંધ લેવા કચ્છ બાર એસો.ના પ્રમુખ સચિન ગોરની યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd