• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ભુજને પાર

ભુજ, તા. 6 : કચ્છની આદ્યશક્તિ પીઠ માતાના મઢમાં મા આશાપુરાનાં દર્શનાર્થે મુંબઇ સહિતના  સાઇકલ અને પદયાત્રીઓનો પ્રવાહ કચ્છના પ્રવેશદ્વારે તા. 4થી આરંભાઇ જતાં મંગળવારે તો દિવસ અને રાત્રિના ભુજમાં સેવા કેમ્પો ધમધમી ઊઠયા હતા. આ યાત્રિકોનો અવિરત પ્રવાહ ભુજને પાર કરતો આગળ ધપી રહ્યો છે જે નવરાત્રિ પહેલાં જ પદયાત્રા પૂર્ણ કરી લેશે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાદ્ધ પક્ષ પિતૃતર્પણનો હોવાથી આ સમયગાળામાં શુભ કાર્યો વર્જિત મનાય છે. દેવીનાં દર્શનાર્થે જનારા પદયાત્રિકોની આસ્થાને વંદન કરતાં જાણકારો જણાવે છે કે, થોડા દિવસ પછી નીકળવાનું રાખે તો મઢવાળી માના નવલા નોરતાંમાં દર્શનનો વિશેષ લાભ પ્રાપ્ત કરી શકે. પદયાત્રીઓની લાગણીને જોતાં સેવા કેમ્પો અને વાહનોથી ફરતા રહીને સેવા અને ચા, પાણી, નાસ્તા, ભોજન, મોબાઇલ ચાર્જિંગ, રાત્રિના પંથ કાપતા પદયાત્રીઓની સલામતી માટે અંધારામાં લાઇટ પડતાં ચમકતી પટ્ટીઓ લગાવવા સહિતના સેવાર્થીઓને પણ મને -કમને શ્રાદ્ધ પક્ષમાં જ સેવા આદરવી પડતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. માનતા માનનારા લોખંડની સાંકળો બાંધીને રસ્તા પર આળોટતા જઇને, બાળકોને બાબાગાડીમાં બેસાડીને અને યુવાવર્ગ હાથમાં હાથ મિલાવી મોબાઇલ સાથે બ્લૂટૂથથી સ્પીકર જોડી મનગમતાં માતૃભક્તિનાં ગીતો સાંભળતાં રસ્તા પર મગ્ન થઇને જતા જોવા મળી રહ્યા છે. સામખિયાળી અને સૂરજબરીથી માંડી રાપર અને ભચાઉ, ગાંધીધામ, અંજાર તાલુકામાં સેવા કેમ્પો ધમધમી ઊઠયા છે. રાત્રિના આરામ કરનારાના ધસારાથી કેમ્પોમાં જગ્યા નથી રહેતી. સમાજવાડી સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે નાહવા-ધોવાની સુવિધા પૂરી પડાઇ રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગે વહીવટી તંત્રના સંકલન સાથે તા. 4થી 11 સુધી કચ્છના પ્રવેશદ્વારોથી માંડીને માતાના મઢના રસ્તે આવતા તમામ આરોગ્યધામોને 24 કલાક ચાલુ રાખી દીધા છે. પદયાત્રીઓને પગમાં તકલીફ થાય તો ફિઝિયોની સેવા માટે કોલ કરીને ફિઝિયોથેરાપીસ્ટને બોલાવવાનું આયોજન ગોઠવી દીધું છે. વિવિધ કેમ્પોમાં પણ પગના સોજા અને પગ છોલાઇ જાય તો સારવાર સાથે દવાઓની વ્યવસ્થા ગોઠવાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd