મુંબઈ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છી
નવાં વર્ષ આષાઢી બીજ નિમિત્તે કચ્છ શક્તિ તરફથી યોજાયેલા 47મા કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત સમારોહમાં
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે એવોર્ડ અપાય છે, અત્યાર સુધી 1000થી વધુ એવોર્ડ
એનાયત કરાયા છે. એવોર્ડ અપાયા પછી તેનું કનેક્શન શું થાય છે એ હું અહીં શેર કરવા માગું
છું, એમ કહીને તેમણે ખૂબ રસપ્રદ વાત રજૂ કરી હતી. - કચ્છ શક્તિનો પ્રભાવ : દાદરના યોગી સભાગૃહમાં આયોજિત સમારોહમાં
હાર્દિકભાઈ મામણિયાએ એવોર્ડના બે કિસ્સાને ટાંકીને કહ્યું હતું કે, 2024માં ગાંધીધામના
ડો. ચેતન વોરાને કચ્છરત્ન એવોર્ડ અપાયો હતો, ત્યારે તેમણે આ મંચ પરથી જણાવ્યું હતું કે, હું જાલનામાં
ભણ્યો છું, મને ગુજરાતી આવડતું પણ ન હતું. જન્મભૂમિ વાંચીને ગુજરાતી
શીખ્યો. તેઓ 492 પરિવારને
કચ્છમાં કાયમી સ્થાયી કરી ચૂક્યા છે. એ પછી કચ્છમિત્ર સાથે એમના બે કોન્ક્લેવ કર્યા, જેમાં હેલ્થકેરની બાબતમાં કચ્છમાં શું શું છે.
તેમના પ્રતિભાવનાં પગલે 33 પરિવાર કચ્છમાં
સ્થાયી થયા છે. બીજો દાખલો એવોર્ડ વિનર માનસી ગોસ્વામીનો ટાંક્યો, જેઓ પોતે મરીન સાયન્સમાં પીએચ.ડી. છે અને ગ્રામ્ય
વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાને આ વિસ્તારની
આખી જવાબદારી તેમને સોંપી. આ કચ્છ શક્તિ એવોર્ડનો પ્રભાવ છે. આ વિઝન માટે હેમરાજભાઈ
અને ટીમ અભિનંદનીય છે. - જૈનોની ઘટતી
વસ્તીની ચિંતા : જૈનોની ઘટતી
વસ્તી અંગે ચિંતા પ્રવર્તે છે. આ મુદ્દા પર તેમણે જણાવ્યું કે, પારસીઓ માટે સરકારે એડિશનલ સંતાન માટે રકમ ફાળવીને
પ્રોત્સાહિત કર્યા છે, એ રીતે જૈનો માટે પણ થઈ શકે. એ માટે ગુજરાતના
કેબિનેટ પ્રધાન હર્ષભાઈ સંઘવી સાથે વાત થઈ છે અને આગળ પ્રયત્નો કરશું. - હેમરાજભાઇનો પ્રેમ : `જન્મભૂમિ'ના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસે જણાવ્યું કે,
આજનો આનંદ અને ઉત્સાહ અનેરો છે. સિદ્ધિપ્રાપ્ત કચ્છીઓને પોંખ્યા છે.
હેમરાજભાઈ માટે કચ્છ ભૂષણ સન્માન પૂરતું નથી. એમણે તો ગુજરાતીઓ, ગુજરાતી ભાષા માટે ઘણું કામ કર્યું છે. હમીરસર ઓગને ત્યારે મેઘલાડુ જમાડે છે,
જે એમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. હેમરાજભાઈ સ્વસ્થ રહે અને
કચ્છની સેવા કરતા રહે એવી શુભેચ્છા છે. - અસિત મોદી : `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિતભાઈ મોદીએ જણાવ્યું કે,
અમારી સિરિયલ શરૂ થઈ ત્યારે પહેલો એવોર્ડ હેમરાજભાઈએ આપ્યો હતો. શ્રેણી
દ્વારા કચ્છની સંસ્કૃતિને વિશ્વમાં પહોંચાડી શક્યો છું. હેમરાજભાઈ શાહે નાદુરસ્ત તબિયત
હોવા છતાં સમારોહમાં હાજરી આપી હતી. તેમના વતી સ્વાગત પ્રવચનનું વાંચન સમારોહના સંચાલિકા
રીટા હરિયાએ કર્યું હતું. હેમરાજભાઈ વ્હીલચેર પર સ્ટેજ પર હતા. તેમને હાર્મની આર્ટસ
એન્ડ કલ્ચર તરફથી હાર્મની કચ્છ ભૂષણ એવોર્ડ સંસ્થાના વીરેન્દ્રભાઈ શાહ અને રમેશભાઈ
શાહના હસ્તે એનાયત થયો હતો. - પુસ્તકનું વિમોચન : આ અવસરે ડો. નવીન પારેખના પુસ્તક જૈન સમાજની લગ્ન વિષયક સામાજિક
સમસ્યાઓ અને સંભવિત સમાધાનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. - સન્માનનો પ્રતિભાવ : જૈન મેરેજ મિશનમાં જોડાયેલા આઠ ફિરકાઓના
સન્માનનો પ્રતિભાવ આપતાં ડો. નાગજીભાઈ રીટાએ જણાવ્યું કે, કચ્છમાં મેઘરાજાને વધાવવા માટે રાજવીઓએ આષાઢી
બીજની ઉજવણી શરૂ કરી હતી. કચ્છ શક્તિ 47 વર્ષથી કચ્છીરત્નોને એવોર્ડથી નવાજે છે. આ બધા વિજેતાઓને અભિનંદન
આપું છું. એ સાથે અમારું સન્માન કર્યું છે એ માટે આભાર સૌ વતી વ્યક્ત કરું છું. તેમણે
હાર્દિકભાઈ મામણિયાએ કચ્છમાં પાછા ફરવાનું અભિયાન જેવાયએફ તરફથી છેડયું છે. એ માટે
ખાસ બિરદાવ્યા હતા. સમારોહનું સંચાલન રીટા હરિયાએ કર્યું હતું. આભારવિધિ અરવિંદ શાહે
કરી હતી. - કસુંબલ ડાયરો : આરંભમાં ટીના છેડા અને સાથી કલાકારોએ રંગ
કસુંબલ ડાયરો રજૂ કર્યો હતો. કલાકારોની રજૂઆતથી લોકો આનંદથી ઝૂમી ઊઠયા હતા. વારંવાર
તાળીઓથી વધાવ્યા હતા. યોગી સભાગૃહ વતનપ્રેમી કચ્છીઓથી છલોછલ ભરાયો હતો. સમારોહમાં ઉદય
શાહ, ચીમન મોતા તેમજ અન્યોએ સ્ટેજની કામગીરી સંભાળી
હતી. જૈન સમાજના અગ્રણી અને દાતા ચંદ્રકાંતભાઈ ગોગરીએ હાજરી આપી હતી. મુંબઈ મેરેજ મિશનમાં
જોડાયેલા જુદી જુદી જૈન જ્ઞાતિઓના આઠ પ્રમુખ નયનભાઈ ભેદા, દિલીપ
સંઘવી, રસિકલાલ મહેતા, ધીરજ મહેતા,
ચેતનભાઈ ઢીલા, વિજ્ઞેશભાઈ ભેદા, જયેન્દ્રભાઈ સાવલા અને ડો. નાગજી રીટાનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
- આ છે એવોર્ડથી
સન્માનિત પ્રતિભા : આ સમારોહમાં અચલગચ્છ જૈન સંઘના પૂ. જયપદ્મગુણાશ્રીજી મહાસતીજીને
કચ્છરત્ન એવોર્ડ એનાયત થયો હતો, જેનો
સંસાર પક્ષે તેમના ભાઈ-ભાભીએ સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ જયંતીલાલ કે. છાડવાને સમાજરત્ન,
નરેન્દ્રભાઈ નંદને ધર્મપ્રેમી એવોર્ડ, રાજેશ (રાજુભાઈ)
છેડાને વ્યાપાર-ઉદ્યોગ એવોર્ડ, ભૂષણ આર. સોનીને વ્યાપાર-ઉદ્યોગ
એવોર્ડ, હીરજી રાયશી પાસડને સમાજસેવા એવોર્ડ, વેલજી ગણેશભાઈ મહેતાને સમાજસેવા એવોર્ડ, મહેન્દ્ર દામજી
છેડાને સમાજસેવા એવોર્ડ, અજય સોનીને સાહિત્યરત્ન એવોર્ડ,
ડો. મહાદેવભાઈ બારડને સંશોધન એવોર્ડ, સમીરા રાંભિયાને
નારીરત્ન એવોર્ડ, દિશા દેઢિયાને વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ એવોર્ડ,
નીલ ભટ્ટને ફિલ્મ સ્ટાર એવોર્ડ, મિતેન ગાલાને બાળકલાકાર
એવોર્ડ, કાંતિલાલ સંઘોઈને લીગલ પ્રોફેશન એવોર્ડ, વિરલ કનૈયાલાલ જોશીને ફોટોગ્રાફી એવોર્ડ, ઉમેશ ત્રિવેદીને
પત્રકાર એવોર્ડ, દર્શનકુમાર ઠક્કરને પત્રકાર એવોર્ડ, જાનવી ગડા-ખુશી ગડાને નૃત્યરત્ન એવોર્ડ, નિધિ ધોળકિયાને
પ્લેબેક સિંગર એવોર્ડ, દિશાંત અમૃતલાલ નિસરને શિક્ષણ એવોર્ડ હેમરાજભાઈ
શાહ, હાર્દિકભાઈ મામણિયા, કુન્દનભાઈ વ્યાસ,
અસિતકુમાર મોદી અને ડો. નાગજી રીટાના હસ્તે એનાયત થયા હતા.