• મંગળવાર, 07 જુલાઈ, 2026

ભુજ-માધાપરની સફાઈ વ્યવસ્થાને સુદૃઢ બનાવવાની તાકીદ

ભુજ, તા. પ : જિલ્લા મથક ભુજ અને તેના પરા સમાન માધાપરની સફાઈ વ્યવસ્થાને સુયોગ્ય સંકલન સાધી સુદૃઢ બનાવવાની તાકીદ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા કરવામાં આવી છે. કલેક્ટરે ભુજ અને માધાપરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થાની હાલમાં ચાલતી કામગીરી અને તેના માટેની ખૂટતી કડીઓનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. રવિવારની સવારે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી કલેક્ટરે પ્રથમ ભુજના અલગ-અલગ વિસ્તારો અને તે પછી માધાપર નવાવાસ અને જૂનાવાસ ગ્રામ પંચાયત હેઠળના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભુજના હમીરસર તળાવ, મહાદેવ નાકું, બસ સ્ટેશન, ઓગન સહિતના વિસ્તારોની લીધેલી મુલાકાતમાં અહીં સફાઈ કામગીરી કેવી રીતે થાય છે, કેટલા કર્મચારીઓ તેમાં જોડાયેલા છે, તે સહિતની વિગતો મેળવી હતી. કલેક્ટરે સંકલન પર વિશેષ ભાર મૂકતાં કહ્યું કે, શહેરી વિસ્તારમાં સફાઈ વ્યવસ્થાની કામગીરી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલિકા સંભાળતી હોય છે, પણ જરૂરી સાધનો આપવા સહિતની જે આવશ્યકતા હોય તે અન્ય વિભાગો પૂર્ણ કરવામાં સહયોગ આપે તો એક સારી કામગીરી થઈ શકતી હોય છે. જિલ્લા સમાહર્તાએ સફાઈ કામગીરીની સમીક્ષા કરવા સાથે હાલમાં ચાલતી નાળાં સફાઈની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. માધાપરમાં પણ કલેક્ટરે સફાઈ વ્યવસ્થાનું કાર્ય સંકલન સાધી હાથ ધરાય તે વાત પર ભાર મુક્યો હતો. કલેક્ટરે પોતાની આ મુલાકાત દરમિયાન વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી તેમનો સાફઈ વ્યવસ્થા બાબતે મત જાણી સૂચનો મેળવ્યા હતા. આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી અનિલ જાદવ, ઉપરાંત નગરપાલિકા, ગ્રામ પંચાયતમાર્ગ મકાન વિભાગ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. 

Panchang

dd