વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 5 : પશુધનની મોટી
સંખ્યા ધરાવતા છેવાડાના લખપત તાલુકાના સીમતળમાં ઘાસચારો ખૂટતાં પાણી, ચરિયાણના પ્રશ્નો ઊભા થયા છે, તો મોટાભાગના ડેમો-તળાવોમાં પાણી તળિયે હોતાં દૂષિત પાણી હવે પીવા લાયક નથી
રહ્યંy, જ્યારે જુલાઇ મહિનો ચાલુ થઇ
ગયો, વરસાદ નહીં પડતાં ખેડૂતો અને પશુપાલકોની નજર
હવે આભ સામે મંડાઇ છે...! - ઘાસ-પાણી નથી : લખપત તાલુકામાં એક લાખની પશુની સંખ્યા થઇ ગઇ છે, ત્યારે સીમતળમાં ઘાસચારો જ નહીં હોતાં લોકોને
મોંઘા ભાવે તારાપુરથી ઘાસ મગાવવું પડે છે જે ભાવમાં પોષાતું નથી. લક્ષ્મીરાણી (જમનવાડા)
વિસ્તારના અગ્રણી અને બરંદા સરપંચ નથુભાઇ રબારીની મુલાકાત લેતાં તેમણે કહ્યું હતું
કે, ખાલી જમનવાડામાં 150 માણસની વસ્તી સામે 750 પશુ છે. ગામની બાજુમાં ડેમ છે, પણ પાણી લીલા કલરનું થઇ ગયું છે, પીવા લાયક નથી રહ્યું. મહિનામાં ફક્ત બે વખત પાણી લાઇન વાટે આવે અને બે વખત
જ અવાડા ભરાય, તેથી લોકોને પાણીની સમસ્યા સતાવે છે. નરેડી પાસે
મોટો ટાંકો છે, જે જર્જરિત હાલતમાં હોવાથી ક્યારે પડે તે નક્કી
નથી...! પાણી પુરવઠા તંત્ર ટાંકાનું જલ્દી મરંમતકાર્ય કરાવે તે જરૂરી છે. ઘાસચારો સીમમાં
નથી. હાલમાં 20 કિ.ગ્રા.
ગાંસડી (બિસ્કિટ ગાંસડી) લઇ આવીએ છીએ, જે રૂા. 300માં પડતાં
15 કિ.ગ્રા. ભાવમાં પડે છે. - દૂધ ઉત્પાદન ઘટયું : અંતરિયાળ ગામડાંઓ ભેખડા, આમરા, ચકરાઇ, મિંઢિયારીની મુલાકાત લેતાં ભેખડામાં અઠવાડિયે એક વખત જ પાણી આવતું હોવાનું
ગામલોકોએ જણાવ્યું હતું. તા.પં.ના પૂર્વ સદસ્ય આરબ જતે કહ્યું હતું કે, ભેખડામાં દૂધ જોઇએ તો 1,000 લિટર છે, પણ પાણી
500 લિટર પણ નહીં મળે. ગરમી અને
ઘાસચારા, પાણીની અછતથી દૈનિક બે હજાર લિટર દૂધનું અહીં
ઉત્પાદન થાય છે, પણ હાલમાં પશુઓ 1000 લિટર દૂધ આપતાં 50 ટકા દૂધ ઉત્પાદન પણ ઘટયું છે.
પશુઓની સંખ્યા ઘણી છે, ત્યારે હાલમાં
રૂા. 1800માં ગાંસડી તારાપુરથી લઇ આવ્યા
હોવાનું જણાવ્યું હતું, જે રૂા. 20ના કિ.ગ્રા. ભાવે પડે છે. ભૂસાંની 49 કિ.ગ્રા.ની બોરી 1350માં અને કપાસિયા ભૂસાંની બોરી
2300માં પડે છે. પશુઓને આખો દિવસ
ઘાસ ખાવા જોઈએ છે. ઘણા તો મકાનોના નળિયા ઉપર ઘાસની ગાંસડીઓ રાખે છે, તેનું કારણ ગામલોકોને પૂછતાં તેમણે કહ્યું હતું
કે, ઘાસ મોંઘું છે. ગમે તે અને ગમે તેના પશુઓ નીચે રાખેલું ઘાસ
ખાઇ જાય છે. વાડા જેવી વ્યવસ્થા નથી, તેથી નળિયા ઉપર સુરક્ષિત
છે, જેને જેટલું આપવું હોય તેટલું આપી શકાય છે. ભેખડા ડેમમાં
પાણી મલીન થયું છે, જેથી પીવા લાયક રહ્યું નથી. ડેમની કેનાલો
પણ જર્જરિત છે. મરંમત થતી નથી. ડેમનો વિસ્તાર વધારવો જરૂરી છે, પણ રજૂઆતો કર્યા છતાં કામ થતું નથી. એકાદ મહિનો ચાલે તેટલું પાણી પશુઓને કામ
લાગશે. - ચકરાઇમાં મોટર નથી : ગત વર્ષે કચ્છમિત્રના હેવાલ બાદ પાણીના
પમ્પિંગ માટે મોટરની વ્યવસ્થા કરાઇ હતી. આજે પણ ગ્રામજનો કચ્છમિત્રનો આભાર માને છે.
હવે પાણીનો સમ્પ છે, ડી.પી. પણ
આવી ગઇ છે, પરંતુ મોટર અને પેનલના પ્રશ્નો વારંવાર સર્જાય છે.
પરિણામ પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. ઇબ્રાહિમ રજાક જતે જણાવ્યું કે,
ચકરાઇમાં આઠ દિવસે પાણી આવે છે. પશુઓ માટે પૂરતું નથી. ઘાસચારાની તકલીફ
છે. 200ની વસ્તી સામે 1,050 પશુ છે, જ્યારે ભખર જમીલ જત, ગુલામ
હૈદર મુસા જત, અલી અકબર નજરમામદે પણ પાણી, રસ્તા અંગેની સમસ્યાઓ જણાવી હતી. 108 અહીં આવે છે, પણ રસ્તો ખરાબ છે. દયાપર સુધી પહોંચવામાં મોડું થઇ જાય છે. ગામના ટાંકાની મોટર
ક્ષમતા ઓછી હોવાથી બે એચ.પી.ની આ મોટર વારંવાર બંધ થઇ જાય છે. પાણી પહોંચતું નથી,
જેના બદલે પાંચ એચ.પી.ની મોટર હોય તો પાણી પહોંચી શકે તેવી માંગ કરાઇ
હતી. - ગોધાતડ આધારિત 30 ગામ : લખપત તા.ની જીવાદોરી સમાન ગોધાતડ ડેમનું
પાણી 30 ગામને ઉપયોગી છે. હાલમાં પાણીનો
જથ્થો હોવાથી પાણીની સમસ્યા ઓછી છે. સહકારી અગ્રણી ભાણજીભા સોઢાએ કહ્યું હતું કે, કોરિયાણી ફાટક પાસે પાણી પુરવઠાનો સમ્પ છે અને
ફિલ્ટર પ્લાન્ટ છે. આ ફિલ્ટર પ્લાન્ટમાં વારંવાર ક્ષતિ આવતાં લોકોને ડેમનું પાણી સીધું
આપી દેવાય છે. વળી મોટા સમ્પને સાફ કરાતા નથી. પાણી પુરવઠા તંત્ર આ બાબતે સમયાંતરે
નિરીક્ષણ કરે તે જરૂરી છે. સીમતળમાં ઘાસચારો રહ્યો નથી. ગોધાતડ ડેમ હંમેશાં ખરા સમયે
30 ગામડાંને પીવાનાં પાણી અર્થે
ઉપયોગી રહ્યો છે. ફિલ્ટરની ચોક્કસ મરંમત કરાય તે જરૂરી છે. જાડવાના પીનુભાઇ રબારીએ
કહ્યું હતું કે, સિમેન્ટ ઉદ્યોગ દ્વારા
હાલમાં 22 ટન ઘાસ મળ્યું છે અને પાણીની
વ્યવસ્થા પણ કરાઇ છે. હરૂડી વિસ્તાર નલિયા યોજનામાં આવે છે ત્યાં પાણીની સમસ્યા રહે
છે. - સરકારમાં દરખાસ્ત : લખપત તાલુકાના મામલતદાર નવીનચંદ્ર મારૂનો
સંપર્ક કરતાં તેમણે ઘાસચારા અંગે રાજ્ય સરકારે માહિતી મગાવી હોવાનું જણાવ્યું હતું.
હાલમાં લખપત તાલુકામાં ગાય 25,056 અને
ભેંસ 62,986 કુલ 98,042 જેટલા પશુ છે, જેને માસિક સાડા ત્રણ કરોડ કિ. ગ્રા. ઘાસની
જરૂરત રહે છે. ગાય માટે 1,26,20,160 અને ભેંસ માટે 3,40,02,440 કિ.ગ્રા. ઘાસની માસિક જરૂરિયાત રહે છે. હાલમાં તાલુકાના ઘાસ
ગોડાઉનમાં 65,506 કિ.ગ્રા. ઘાસનો જથ્થો ઉપલબ્ધ
છે. - 80 કરોડ ખર્ચે યોજના : તાલુકામાં
પાણી પુરવઠાની અનિયમિતતા અને ઘણા ગામડાંઓમાં અઠવાડિયે એક વખત જ પાણી આવતું હોવાની ફરિયાદ
સામે પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઇજનેર (ઇન્ચાર્જ) એન. બી. ચૌધરીનો સંપર્ક કરતાં
તેમણે કહ્યું હતું કે, હાલમાં તાલુકાના
105 ગામ, પરાં તેમજ અબડાસાના સાત ગામડાંને લાઇન વાટે
પાણી અપાય છે. કોઇ ટેન્કર નથી. તાલુકાની પાણીની દૈનિક જરૂરિયાત 17થી 18 એમઅલડી છે, જે પૂરતા
પ્રમાણમાં મળે છે. ગોધાતડ ડેમ હેઠળ 30 ગામડાંનો સમાવેશ થાય છે. ખાનગી એજન્સીના 137 કર્મચારી પાણી પહોંચાડવાની
જવાબદારી સંભાળે છે, જેમાં વાયરમેન,
લાઇનમેન, વાલ્વમેન, સુપરવાઇઝર,
મેનેજર સહિત ખાનગી એજન્સીના માણસો છે, છતાં પાણીની
સમસ્યા દૂર થાય તે હેતુથી 80 કરોના ખર્ચે સાનધ્રો ડેમ યોજના માટે દરખાસ્ત મુકાઇ છે. સાનધ્રો
ડેમ પર પમ્પિંગની વ્યવસ્થા ઊભી કરાશે અને દોલતપર ખાતે ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર
થશે, જે 43 ગામડાંને પાણી પૂરું પાડશે,
જ્યારે નર્મદાની લાઇનમાં ભંગાણ પડે છે, ત્યારે
જ પાણી સમસ્યા સર્જાય છે, નર્મદા લાઇનમાં ક્ષતિ આવે ત્યારે લખપત
તા.માં ત્રણ-ચાર દિવસ પાણી ન મળે તો 10 લાખ લિટરના સમ્પ શા માટે બનાવાયા છે, તેમાં પાણી સંગ્રહ કરી જ્યારે નર્મદા લાઇન ક્ષતિગ્રસ્ત
થાય ત્યારે સંગ્રહ કરેલું પાણી જાય, પણ સમ્પમાં સંગ્રહ કેમ નથી
કરાતો તેના ઉત્તરમાં શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, સમ્પ પર મોટર,
પમ્પિંગ મશીનરી નથી જે વ્યવસ્થા થઇ જશે. હાલ ખીરસરા સ્ટોરેજમાં સંગ્રહ
કરાય છે. - ના.કા.ઇ.
નથી ! : છેવાડાના લખપત તાલુકામાં વારંવાર પાણીની
સમસ્યા સર્જાતી હોય છે. ઘણી વખત આગેવાનો દ્વારા કચેરીને તાળાંબંધી પણ કરાઇ છે. છતાં
આ વિભાગની આંખ ખૂલી નથી...! અહીં એક વર્ષથી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા જ ખાલી છે, જે ઇન્ચાર્જથી ચાલે છે. સિનિયર ક્લાર્ક અને
જુનિયર ક્લાર્ક એમ બે કારકુનની જગ્યા પણ ખાલી છે. ખાનગી એજન્સીના 137 કર્મચારીની દેખરેખ કોણ રાખશે ? કારણ કે, તે જોવા સ્ટાફ
જ નથી ! પરિણામે એજન્સીના માણસો મોટાભાગે સાઇડ લોકેશનની જગ્યાએ નહીં હોતાં `ઘેર'હાજર હોય છે. 137 કર્મચારીનો
પગાર સરકાર આપે છે, પણ તેના નિરીક્ષણ
માટે કોઇ વ્યવસ્થા નથી ! અને આ બાબતે વારંવાર રજૂઆતો પણ થઇ છે, છતાં એજન્સીના માલિક `બળૂકા' હોવાથી
તેને કોઇ અસર થઇ નથી. જુલાઇ મહિનાનો પ્રારંભ થઇ ગયો છે. હજુ કચ્છમાં વરસાદ નથી આવ્યો,
ત્યારે આવનારા દિવસોમાં તંત્ર જાગૃત થાય અને ખાસ તો પાણી સમસ્યા વિકરાળ
ન બને તેની કાળજી રખાય તેવી લોકમાંગ છે. સરકાર દ્વારા સસ્તા ભાવે ઘાસચારો મળી રહે તેવી
પણ માલધારીઓ માંગ કરી રહ્યા છે.