કોડાય (તા. માંડવી), તા. 17 : મૂળ ઝરપરા
હાલ ભુજ નિવાસી ઓમીકાબેન ગઢવીને શિક્ષણ અને રાષ્ટ્રીય સ્તરની વિવિધ પ્રવૃત્તિમાં સિદ્ધિ
બદલ આગામી 19 જૂને નવી દિલ્હી ખાતે ભુતાન
એમ્બેસીમાં ભારત-ભુતાન સંબંધો પર ચર્ચા માટે વિશેષ આમંત્રણ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, ઓમીકાબેન રામભાઇ ગઢવી કેન્દ્રીય વિદ્યાલય આર્મી
સ્કૂલ, ભુજ તથા કે.વી. આઇ.એફ.એફ.સી.ઓ.માં અભ્યાસ કર્યો છે. ધો.
10 અને 12માં પણ સમાજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
હાલે મુંબઇની સાંતાક્રૂઝ યુનિ.માં ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં ઓમીકાબેન ભારત સરકાર આયોજિત
શૈક્ષણિક, નેતૃત્વ, સ્પર્ધાત્મક
કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. બ્રિક્સ સમિટમાં દેશવ્યાપી મંચ પર તેમજ રાજ્ય વિધાનસભાના
કાર્યક્રમ હેઠળ એક દિવસના મંત્રી તરીકે વિષય પર ડિબેટમાં પણ જોડાયા હતા. આગામી 19 જૂને નવી દિલ્હી ખાતે ભારત
અને તેના પડોશી દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વિષયક ચર્ચામાં જોડાશે તે ગૌરવપૂર્ણ વાત
છે. આ બદલ ઝરપરા ગામના અગ્રણીઓ, શાળાના
આચાર્ય, શિક્ષકો, અખિલ કચ્છ ચારણ સભાના
પ્રમુખ દેવરાજભાઇ ગઢવી વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી.