દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 24 : તનાવ એ જીવનનો અવિભાજ્ય હિસ્સો
છે. જિંદગીમાં ચડ-ઊતર ચાલ્યા કરે. વિચારોમાં સકારાત્મકતા એ તનાવ મુક્તિનું પ્રથમ સોપાન
છે. દરેક તબક્કે આપણે સફળતા ઈચ્છીએ એ આપણું કર્તવ્ય ખરું પરંતુ દરેક તબક્કે સફળતા મળે
એ સંભવ નથી. તનાવ પીડિતોમાંથી પ્રતિદિન 9800 છૂટાછેડાનું મૂળ સ્ટ્રેસ હોય છે એના મારણ માટે પરિસ્થિતિ પ્રત્યેની
પરિપક્વ સમજદારી અને વાસ્તવિકતાને સ્વીકારવાની માનસિકતા છે, એમ મસ્કાના બચુભાઈ રાંભિયા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
ખાતે બી.એ.પી.એસ.ના વિખ્યાત વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ શ્રોતાઓની બહોળી ઉપસ્થિતિમાં
કહ્યંy હતું. આ અવસરે મુખ્ય અતિથિપદેથી ધારાસભ્ય
અનિરુદભાઈ દવેએ કહ્યું હતું કે, તકલીફ
દૂર કરે એવો મેળાપ એટલે સત્સંગ. માનવી આધિ-વ્યાધિ-ઉપાધિ વચ્ચે પળોજણમાંથી હળવાશ મેળવે
એવો સંગ એટલે સત્સંગ. નાદી બ્રહ્મ અને શબ્દબ્રહ્મની અનુભૂતિ થાય ત્યારે પરબ્રહ્મની
પ્રાપ્તિ થાય. તેમણે વિશ્વસ્તરીય વક્તા તરીકે ડો. જ્ઞાનવત્સલ સ્વામીની વાણી થકી ધન્યતા
અનુભવી હોવાનું કહ્યું હતું. લગભગ પોણા બે કલાક લગી અસ્ખલિત અને મનોવૈજ્ઞાનિક તથ્યો
અને તર્ક સાથે ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ બોધ આપતાં કહ્યું હતું કે, સફળતાની ઈચ્છા કે અપેક્ષા રાખવી, પરંતુ નિષ્ફળતાથી નાસીપાસ
ન થવું. નકારાત્મકતા મગજમાંથી બહાર કાઢવી અનિવાર્ય છે. માન્યતા, આત્મવિશ્વાસ, નીતિમત્તા-શિસ્ત, સહનશિલતા વગેરે બાબતો તનાવમાંથી હળવા થવાના પાસા છે. જીવન દોડમાં અવરોધ આવે
તેમાં હતાશ ન થવાય. યુનોના એક અહેવાલ મુજબ વિશ્વમાં 34 કરોડ લોકો તનાવમાંથી પસાર થઈ
રહ્યા છે. તેમાંથી બે કરોડ લોકો આત્મહત્યા માટે પ્રયત્નો કરે છે. એક જ બિલ્ડિંગની એક
જ લાયબ્રેરીમાં તનાવ ઉપર લખાયેલા એક લાખ પુસ્તક સાબિત કરે છે કે તાણ કેવી પીડાદાયક
હોય છે. મસ્તિષ્કને નવરું ન રહેવા દેવું. જે કંઈ કરવું હોય તે નીતિમત્તાથી કરવું. વાણી-વર્તન
વિવેકમાં ચૂક આવવી ન જોઈએ. પદ અને પ્રતિષ્ઠા નીતિભ્રષ્ટ ચમબરબંધીને પણ તનાવ મુક્ત ન
કરી શકે. સામાજિક પરિપેક્ષ્યમાં તનાવ કે છૂટાછેડાનું એક મહત્ત્વનું કારણ પરણિત પુત્રીના
જીવનમાં માતાનો અનઅપેક્ષિત હસ્તક્ષેપ કે દખલ હોય છે. પારસ્પરિક આદર લોકજીવનમાં સૂમેળ
રાખે. બાપ્સ વિશે વિહંગાવલોકન કરાવતાં તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં બીજા નંબરનું મોટું મંદિર અમેરિકામાં
નિર્માણ થયું છે. દુનિયામાં પ્રથમ 10 મોટા એન.જી.ઓ.માં બી.એ.પી.એસ. છે. વિશ્વમાં 70-80 દેશમાં વિવિધ પ્રોજેક્ટ પાઈપ
લાઈનમાં છે. 1300 સંત, એક લાખ કાર્યકર્તા નિર્મોહી સેવાથી કામ કરે
છે. તનાવ ઉપજે એટલે બેબાકળા ન થઈ સમાજકાર્યમાં જીવ પરોવી દેવાય. સંસ્કારો હશે તો શિક્ષણ
અને સમૃદ્ધિ ટકશે અને દીપશે. આરંભમાં યુવા
અગ્રણી અને મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ગોરે સત્કાર પ્રવચનમાં સંતવંદના કરતા આયોજનને
શુભકામના દુબઈથી મોટાગજાના દાતા અનિલભાઈ પેથાણીએ પાઠવી છે. મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી
કમલેશભાઈ મોતાએ પ્રસંગ પરિચયમાં જણાવ્યું કે, 15,500 પ્રવચન અને 40 દેશમાં વિચારયાત્રા કરનારા
ડો. સ્વામી વૈશ્વિક વક્તા છે. આ અવસરે પ્રાયોજક કર્મા ગ્રુપ અને મસ્કા ગ્રામ વિકાસ
સમિતિ દ્વારા પુષ્પમાળા દ્વારા સંતવંદના કરાઈ હતી. બચુભાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ચેરમેન
અને બિદડા સર્વોદય ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર હેમંતકુમાર રાંભિયાએ અતિથિપદેથી સંતવંદના
કરી હતી. સમગ્ર આયોજન રામજીભાઈ રાબડિયા (કંપાલા),
કાંતિભાઈ છભાડિયા (મસ્કત), રાજકુમા-કાનજીભાઈ રાબડિયા,
ધનજીભાઈ કરસન હીરાણી, ડો. સંજયભાઈ કોઠારી,
લાલજી વેકરિયા (લાલો), કાંતિભાઈ હાલાઈ,
ડો. જીતુભાઈ પટેલ, ડો. ચંદ્રકાંત ચોથાણી,
આચાર્ય સંજય પટેલ, કપિલ મોતા, જિગર હીરાણી, મુલેશ દોશી વગેરેએ સંભાળ્યું હતું. સંચાલન
મુલેશભાઈ દોશી અને આભારદર્શન કીર્તિભાઈ ગોરે કર્યું હતું. વાડીલાલ દોશી, શાંતિલાલ ગણાત્રા, વસંતલાલ સોલંકી, દિનેશ શાહ, કિરણકુમાર વાડીલાલ, હરેશભાઈ ગણાત્રા, ડો. ચિંતન સચદે, રાજેશભાઈ સોરઠિયા, નરેન્દ્ર પીઠડિયા, ભગવાનજી ઝાલા, ડો. હર્ષદ ઉદેશી, ગોરધનભાઈ પટેલ `કવિ', ડો. કે.જી. વૈષ્ણવ, પંકજ
ગોર, રાણશીભાઈ ગઢવી વગેરે ઉપરાંત મોટી સંખ્યામાં માણીગરોએ લાભ
લીધો હતો. - આજે ભુજમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા `વ્યાપાર અને આધ્યાત્મિકતા' વિષયે વક્તવ્ય : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
ફેડરેશન દ્વારા તા. 25/4ના શનિવારે
રાત્રે 8:30 વાગ્યે ટાઉનહોલ ખાતે `વ્યાપાર અને આધ્યાત્મિકતા' વિષયે વક્તવ્ય યોજાશે જેમાં તેઓ ઉદ્યોગ,
વ્યવસાય અને જીવનમૂલ્યો સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન
આપશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ અંગે અનિલભાઈ ગોરના જણાવ્યા અનુસાર આમંત્રિત શ્રોતાઓએ આગોતરી નોંધણી કરાવી દેતાં
ટાઉનહોલ ફુલ થઈ ગયો છે.