• શનિવાર, 25 એપ્રિલ, 2026

ક્રિમિનલ રેકોર્ડવાળા પોલિંગ એજન્ટને મંજૂરી

અમદાવાદ, તા.24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મોટો ચૂંટણી વિવાદ ગરમાયો છે. પાલિંગ એજન્ટોની નિમણૂક અંગે રાજ્ય ચૂંટણી પંચે ક્રિમિનલ રેકોર્ડ સંબંધિત શરત હટાવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવી ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઊભા કર્યા છે.  ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે 23/04/26ના  એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે ચૂંટણી એજન્ટ, પાલિંગ એજન્ટ અથવા કાઉન્ટિગ એજન્ટ તરીકે તેવા વ્યક્તિની નિમણૂક ન થવી જોઈએ. જેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોય અથવા ક્રિમિનલ હિસ્ટ્રી હોય. હવે આ મહત્વપૂર્ણ જોગવાઈ રદ કરવામાં આવી છે. પરિપત્રના અંતમાં ચૂંટણી પંચે ઉમેર્યું છે કે, એજન્ટોની નિમણૂક, લાયકાત અને ગેરલાયકાત અંગેની બાકીની તમામ સૂચનાઓ યથાવત રહેશે. પરંતુ ક્રિમિનલ પૃષ્ઠભૂમિ સંબંધિત શરત દૂર થતાં વિરોધ પક્ષોએ ગંભીર શંકા વ્યક્ત કરી છે. આ  મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી વાંધો નોંધાવ્યો છે. કોંગ્રેસે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પ્રશાસકીય આદેશ દ્વારા પાલિંગ એજન્ટોની લાયકાતમાં ફેરફાર કરી ગુનાહિત કેસ ધરાવતા લોકો માટે રસ્તો ખોલવામાં આવ્યો છે. પાલિંગ એજન્ટોની ભૂમિકા ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ઉમેદવાર દરેક બૂથ પર હાજર રહી શકતો નથી, તેથી પાલિંગ એજન્ટ ઉમેદવારના પ્રતિનિધિ તરીકે મતદાન કેન્દ્ર પર કામ કરે છે. આવી સ્થિતિમાં એજન્ટોની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સૌથી મહત્વની છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ક્રિમિનલ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને પાલિંગ એજન્ટ બનાવવાથી ચૂંટણી પ્રક્રિયામાં `બાહુબલી તત્ત્વો'નું પ્રવેશદ્વાર ખુલી શકે છે. આવા તત્વો સામે મતદાન કર્મચારીઓ અને વિરોધ પક્ષના એજન્ટોમાં ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.કોંગ્રેસે ચૂંટણી પંચને માંગ કરી છે કે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મતદાન પહેલાં આ સર્ક્યુલર તાત્કાલિક પરત ખેંચવામાં આવે. નહીં તો આ ચૂંટણીને નિષ્પક્ષ નહીં પરંતુ અન્યાયી અને અલોકતાંત્રિક ગણાશે.  આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકો મતદાન મથક પર બૂથ એજન્ટ તરીકે રહી શકશે અને મતગણતરીમાં પણ એજન્ટ તરીકે રહી શકશે. આવા લોકો જ્યારે બૂથ પર ઊભા હોય ત્યારે તેઓ મતદાનને પ્રભાવિત કેમ ન કરી શકેપ્રચાર સમાપ્ત થવાના કલાકો પહેલાં ઉભેલા આ વિવાદે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં નવી રાજકીય ગરમી ભભૂકાવી દીધી છે. હવે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે. તેના પર સૌની નજર ટકેલી છે.  

Panchang

dd