નખત્રાણા, તા. 24 : તાલુકાના વ્યાર અને જાડાયની
સીમમાં અવાર-નવાર હિંસક પ્રાણી દીપડા દ્વારા ઘેટાં-બકરાં, ગૌવંશના વાછરડા-વાછરડીના મારણ કરી આતંક ફેલાવતાં
માલધારી-પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. તાલુકા મથક નજીકના આઠેક કિલોમીટર અંતરના વિસ્તારના
સીમાડામાં આઠ જેટલી વાછરડીને ફાડી ખાતાં માલધારીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ હિંસક પશુને
પકડવા વનતંત્ર દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. છ-સાત માસ અગાઉ ઘેટાં-બકરાંનું મારણ
કરી ભાગતો દીપડો વાડી-ખેતરની કાંટાળી વાડમાં ફસાઇ જતાં વનતંત્રના કર્મચારીઓએ કાઢીને
પશુ દવાખાને સારવાર માટે લઇ જઇ બચાવી તેને જંગલમાં છોડી મૂકાયો હતો તે વચ્ચે દેખા દેતાં
દીપડાએ નાના ઘેટાં-બકરાંનો શિકાર કર્યા બાદ ગત બુધવારે જાડાય-વ્યારની સીમમાં વાછરડા-વાછરડીનું
મારણ કરતાં માલધારીઓમાં ચિંતા ફેલાઇ છે. રબારી માલધારી સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા
એક વર્ષમાં આ દીપડાએ 50થી 60 નાના-મોટા પશુઓનું મારણ કર્યું
છે. આ સંદર્ભે માલધારીઓએ વનતંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્રે દીપડાને પકડવા તથા માલધારીઓના
મારણ થયેલા ઢોરની કોઇ પણ જાતની મળવાપાત્ર સહાય આપવામાં આવી નથી. દરમ્યાન દીપડાના આતંકના
સમાચારનાં પગલે નખત્રાણા પશ્ચિમ રેન્જના ઇન્ચાર્જ આર.એફ.ઓ. અરુણકુમાર સરવૈયાએ માલધારીઓને
સાથે રાખી દીપડાને પકડવા પાંજરું મૂકવાની ગોઠવણ કરી હોવાનું ફોરેસ્ટર સંજયભાઇએ જણાવ્યું
હતું.