• શનિવાર, 25 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થા પર ભગવો લહેરાશે : સાંસદ

ભુજ, તા. 24 : કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર આજે શાંત થઈ ગયા છે. મતદાનને આડે કાલનો શનિવાર બાકી છે ત્યારે ઉમેદવારો તરફથી ઘરોઘર લોકસંપર્ક ચાલુ છે. ત્યારે કચ્છના ભારતીય જનતા પક્ષ તરફથી ત્રણ વખતથી ચૂંટાતા આવતા સાંસદ વિનોદભાઈ ચાવડા પક્ષના ઉમેદવારો માટે આખું કચ્છ ખુંદી વળ્યા છે અને પ્રચારમાંથી મળેલી થોડી રાહત વચ્ચે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં દાવો કર્યો કે, કચ્છની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર ભગવો લહેરાશે. ચૂંટણી હોય ત્યારે સાંસદ જેવી મહત્ત્વની  જવાબદારી સંભાળતા શ્રી ચાવડા વ્યસ્ત હોય તે સ્વાભાવિક છે, પણ આજના અંતિમ દિવસે કહ્યંy કે, કચ્છની જનતા ચાર દાયકાથી ભાજપના ઉમેદવારને સાંસદ તરીકે ચૂંટીને દિલ્હી લોકસભામાં મોકલે છે. ગત વિધાનસભામાં 6 ધારાસભ્યો પણ કેસરિયા પક્ષના ચૂંટયા છે. પાંચ વર્ષ પહેલાં અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી ન હતી, પણ પાછળથી ભાજપને બહુમતી મળી હોવાથી 9 તાલુકા પંચાયતો પર ભાજપની બહુમતી છે. હવે નવી તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો ચૂંટાશે એટલે આખાં કચ્છમાં કમળ ખીલશે એ નક્કી જ છે. શ્રી ચાવડા કહે છે, કચ્છના ગ્રામીણ વિકાસની જવાબદારી તાલુકા અને જિલ્લા પંચાયત કક્ષાએથી થાય છે. તમામ જરૂરિયાતો પૂરી કરવાની હોય છે. ગામડાંની સુખ - સગવડોને હંમેશાં પ્રાધાન્ય આપવામાં આવે છે. ગામડાંઓમાં ગટર, રસ્તા, પાણી, સ્ટ્રીટલાઈટ, બગીચા, બાંકડા, લાયબ્રેરી જેવી પ્રાથમિક સગવડો આપીને તમામ ખૂટતી કડીઓ ભારતીય જનતા પક્ષ દ્વારા પૂરી કરવામાં આવશે તેવી મતદારોને શ્રી ચાવડાએ ખાતરી આપી હતી. ગામડાંઓમાં રમતગમતનાં મેદાન પણ વિકસાવવામાં આવી રહ્યાં છે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખતે ચૂંટણી થાય છે. એક સમયે 150 કરોડનાં બજેટનાં કામો થતાં, હવે વર્ષે વધીને બજેટ એક હજાર કરોડને પાર કરી જશે. આદર્શ મહાનગર બનાવવાની દિશામાં ભાજપનું નેતૃત્વ મક્કમ છે. એવી જ રીતે નખત્રાણા નગરપાલિકામાં પણ કમળ ખીલશે તેવો દાવો કર્યો હતો. ધરતીકંપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કચ્છ ઉપર ધ્યાન આપ્યું છે અને તેમણે હંમેશાં કચ્છના વિકાસની વાત કરી છે. ઉદ્યોગોનું આગમન, આધુનિક, બાગાયતી ખેતીને પ્રોત્સાહન અપાયું છે. કચ્છના પ્રવાસનનો ડંકો વિશ્વમાં વાગી ગયો છે. 2001 પહેલાં એ જ કચ્છમાં બહારથી કોઈ આવવા તૈયાર ન હતું. આજે હોટેલો હોય કે અતિથિગૃહોમાં કચ્છ આવવા અગાઉથી પ્રવાસીઓને બુકિંગ કરાવવું પડે છે. કચ્છની તમામ ટ્રેન હંમેશાં ફુલ દોડતી હોય છે. આ ભારતીય જનતા પક્ષની સરકારના કારણે શક્ય બન્યું છે. હજુ પણ કયાંક કોઈ અધૂરાશો હશે તે પૂરી કરી દેવાની એક સાંસદ તરીકે ખાતરી આપી હતી. ભુજમાં નવી ટીમ છે, પણ અમારી સંપૂર્ણ દેખરેખ હશે. જૂના મિત્રો પણ છે. જિલ્લાનું પાટનગર ભુજ એક સ્વચ્છ શહેર સવલતોવાળું બનશે એમાં કોઈ બે મત નથી. ટિકિટ ફાળવણી મુદ્દે કહ્યું કે, પાર્ટી હંમેશાં લાંબુ વિચારીને નિર્ણય લે છે અને જે કાર્યકરો છે તેમને ચૂંટણી લડવાનો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે અને આ વખતે ભાજપના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ છે જેનું પરિણામમ 28મીએ ભાજપ તરફે આવશે તેવો અંતમાં દાવો કર્યો હતો. - સઘન પ્રચાર : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચાર પડઘમ આજે શાંત થયા છે ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લાભરની વિવિધ બેઠકોનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન તેમણે સભાઓ, સંમેલનો, બેઠકો, પોકેટ મિટિંગ, ખાટલા પરિષદો, કાર્યાલયોના ઉદ્ઘાટનો, સામૂહિક લોકસંપર્ક, વ્યક્તિગત મુલાકાતો તેમજ અલગ અલગ સામાજિક આગેવાનો સાથે બેઠકો યોજી ભાજપને મળતા લોકસમર્થનને પગલે કચ્છમાં કમળ સોળે કલાએ ખીલશે તેમ કહ્યું હોવાનું જિલ્લા ભાજપની યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd