• શનિવાર, 25 એપ્રિલ, 2026

અગનવર્ષાથી કચ્છ કાળઝાળ

ભુજ, તા. 24 : કચ્છનું જનજીવન વૈશાખી તાપ સાથે વરસતી અગનવર્ષાથી કાળઝાળ બન્યું છે. તાપનો પ્રભાવ વધુ વસ્મો અને ખાસ કરીને મતદાનના દિવસે ગરમી લોકોની કસોટી કરે તેવા વર્તારા વચ્ચે મહત્તમ પારો  સ્થિર રહેતાં જનજીવન લૂથી લાલચોળ બનેલું જોવા મળ્યું હતું. જિલ્લા મથક ભુજમાં પારો થોડો ઊંચકાઇ 41.4 ડિગ્રીએ પહોંચ્યો, તો અંજાર-ગાંધીધામ ક્ષેત્રમાં 42 ડિગ્રીએ સ્થિર રહેતાં મહત્તમ તાપમાને લોકોને ખાસ કરીને મધ્યાહ્ન કાળે ઘરમાં રહેવા પર મજબૂર કર્યા હતા. મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રીના આંકે પહોંચે તેવી સંભાવના વચ્ચે હવામાન વિભાગે યેલો એલર્ટ જારી કર્યું છે. કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે અને ઉકળાટમાં પણ  વધારો થશે તેવી આગાહીના પગલે કચ્છનો સૂરજબારીથી લઇ કોટેશ્વર સુધીનો વિસ્તાર તાપની આકરી આણમાં અગનભઠ્ઠીની જેમ શેકાયો હતો. ગરમીની  તીવ્રતા વધતાં તાપરક્ષક સાધનોના ઉપાડમાં વ્યાપક વધારો જોવા મળ્યો છે. લૂનો પ્રભાવ વધતાં ચક્કર આવવા, માથું દુ:ખવું જેવી ફરિયાદોથી લોકો ત્રસ્ત બની ગયા છે. હવામાન વિભાગે હજુ બે દિવસ માટે યેલો એલર્ટ જારી કરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શહેરની સાથે ગ્રામીણ જનજીવન પણ લૂની દાહકતાથી દાઝ્યું હતું. 

Panchang

dd