• શનિવાર, 25 એપ્રિલ, 2026

કચ્છના 15.49 લાખ મતદારો કાલે પ્રતિનિધિ ચૂંટશે

ભુજ, તા. 24 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે ને રવિવારે મતદાન થવાનું હોવાથી આદર્શ આચારસંહિતાને ધ્યાને લઈ કચ્છના મતદારો મોટી સંખ્યામાં લોકશાહીનાં પર્વમાં જોડાઈને મતદાન કરે અને ઊંચી ટકાવારીથી ઈ.વી.એમ.ના બટન દબાય એ દિશામાં કચ્છના ચૂંટણી અને વહીવટી તંત્રે પ્રયાસ કર્યા છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કચ્છના કલેક્ટર આનંદ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની 422 બેઠકો  માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે જણાવ્યું કે, બેઠકો જાહેર થઈ ત્યારે 448 પર ચૂંટણી થવાની હતી, પરંતુ અગાઉથી જ 26 બેઠકો બિનહરીફ થતાં હવે 422 બેટકો પર 1065 ઉમેદવારો મેદાનમાં છે. ઈલેકટ્રોનિક મશીનથી વોટિંગ કરવાનું હોવાથી ગુલાબી અને સફેદ રંગ પ્રમાણે મતદાન થશે. આવતીકાલે 24મીએ સવારથી કચ્છના મુખ્ય ડિસ્પેચિંગ સેન્ટરથી એસ.ટી. બસો મારફતે 234 રૂટ પર પોલિંગ સ્ટાફ મતદાનની સામગ્રી લઈને રવાના કરવામાં આવશે. ગરમીને ધ્યાને લઇ મતદાન કરવા આવતા મતદારોને લાઇનમાં તડકો ન લાગે એ માટે છાંયડો અને પીવાનાં પાણીની વ્યવસ્થા તમામ મતદાન મથકો પર કરવામાં આવી છે. વરિષ્ઠ કે દિવ્યાંગ મતદારો માટે જ્યાં જરૂર છે ત્યા વ્હીલચેર વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગરમીને ધ્યાને લઇ મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 સુધી રાખવામાં આવ્યો છે. 6 વાગ્યે મતદાન મથકમાં પ્રવેશી ચૂકેલા મતદારોને પૂરતો સમય મતદાન કરવા આપવામાં આવશે એમ કલેકટરે જણાવ્યું હતું. આખી ચૂંટણી પ્રક્રિયા માટે પોલિંગ અને પોલીસ સહિત 15 હજારથી વધુ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. કયાંય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી છે. કચ્છના 1866 પોલિંગ સ્ટેશનમાંથી અમુક સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પણ અલગ તારવવામાં આવ્યાં છે. 26મીએ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક જ દિવસના વિરામ બાદ 28મી એપ્રિલે કચ્છના 15 મતગણતરીનાં સ્થળોએ કાઉન્ટિંગ પ્રક્રિયા હાથ ધરાશે. 28મીએ મોડી સાંજ સુધી મોટાભાગના પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે એમ અંતમાં જણાવ્યું હતું. પ્રારંભમાં જિલ્લા ચૂંટણીની જવાબદારી સંભાળતા અધિક કલેકટર દીપેશ ચૌહાણ, વિવેક બારહટે પૂરક વિગતો આપી હતી. ડીઆરડીએના ડાયરેકટર નિકુંજ પારેખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. - કચ્છમાં અતિસંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો કેટલાં : ભુજ, તા. 24 : દરમ્યાન પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છના 1866 મતદાન મથકોમાંથી 518 સંવેદનશીલ જ્યારે 21 અતિસંવેદનશીલ કેન્દ્ર જાહેર કરાયાં છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી વધુ 20 અતિસંવેદનશીલ અને એક ભુજ તાલુકા પંચાયતમાં મત કેન્દ્ર છે જ્યારે ભુજ તાલુકા પંચાયતના કુલ્લ 293 મતદાન કેન્દ્રમાંથી 115 સંવેદનશીલ, તો ભચાઉમાં 60, રાપરમાં 59, ગાંધીધામ મનપામાં 62, અબડાસામાં 35, ભુજ નગરપાલિકામાં 44 સ્થળો સંવેદનશીલ જાહેર કરાયાં છે. - 14 પુરાવા માન્ય : ભુજ, તા. 24 : કોઇપણ મતદાર પાસે કોઇ સંજોગોમાં ચૂંટણી ઓળખકાર્ડ નથી અને મતદારયાદીમાં તેમનું નામ  બોલે છે તો ઓળખકાર્ડ તરીકે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયન્સ, રાશન કાર્ડ, પાસપોર્ટ સહિતના 14 પુરાવા માન્ય રાખવામાં આવ્યા છે. 

Panchang

dd