ભુજ, તા. 24 : ભુજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ
એસોસીએશન્સ (ફોકીઆ) દ્વારા આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત આશાપુરા ફાઉન્ડેશનના
યજમાનપદે `જૈવ વિવિધતા પુન:સ્થાપન અને ટકાઉ વિકાસ' વિષય પર સીએસઆર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદ્યોગો,
સરકારી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ કચ્છ વિસ્તારમાં પર્યાવરણીય
પડકારોના નિરાકરણ માટે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. મુખ્ય વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે ઉદ્યોગો, સરકાર અને ફોકીઆ વચ્ચે સહયોગની તકો પર પ્રકાશ
પાડી કચ્છના બન્ની ગ્રાસલેન્ડ, શુષ્ક ઇકોસિસ્ટમ, આબોહવા તણાવ અને અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થા જેવા પર્યાવરણીય પડકારોનો ઉલ્લેખ
કર્યો હતો તથા સુંદરલાલ બહુગુણાનું વાક્ય ઇકોલોજી જ શાશ્વત અર્થતંત્ર છે તેવું ઉદાહરણ
આપીને ટકાઉ વિકાસનું મહત્ત્વ સમજાવ્યું હતું. ઉદ્યોગ સમર્થિત લેન્ડસ્કેપ પુન:સ્થાપન,
પ્રજાતિ સંરક્ષણ પહેલ, વૃક્ષારોપણ અને લીલીકરણના
પ્રયાસો અને ઉદ્યોગ ક્લસ્ટર દ્વારા સીએસઆર પાલિંગના મોડલ્સ પર કામ કરવાનું સૂચન કર્યું
હતું. ઈકોલોજિસ્ટ જુગલ તિવારીએ કચ્છની સમૃદ્ધ જૈવ વિવિધતા પર પ્રકાશ પાડી અને પ્રદેશમાં
આવતા સ્થળાંતર કરનારા પક્ષીઓ વિશે સમજ આપી એનજીઓને સ્થાનિક તથા પ્રદેશ-વિશિષ્ટ પ્રજાતિઓનું
વૃક્ષારોપણ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. બેઠક રત્નમણિ મેટલ્સ એન્ડ ટયુબ્સ લિમિટેડે
કચ્છના ઇકોસિસ્ટમ અને સ્થળાંતરી પક્ષીઓની સમસ્યાઓ વિશે માહિતી આપી અને ભીમાસર ખાતે
તેમની ચકલી (સ્પેરો) કન્ઝર્વેશન પહેલ 50,000થી વધુ ચકલીનું સંરક્ષણ થયું હોવાનું જણાવ્યું હતું. વેલસ્પન
ફાઉન્ડેશને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી સાથેના સહયોગમાં જૈવ વિવિધતા કાર્યો
રજૂ કર્યા અને અંજારમાં વેલસ્પન સિટી ખાતે આશરે 4.2 લાખ વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હોવાનું જણાવ્યું હતું. અદાણી
ફાઉન્ડેશને કચરા વ્યવસ્થાપન, જળ સંરક્ષણ
અને વરસાદી પાણીના સંગ્રહની પહેલો બતાવી અને 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોના લક્ષ્યાંક
(હાલ 50.15 મિલિયન પૂર્ણ)નો ઉલ્લેખ કર્યો.
એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝે કુકમા વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ અને નર્સરી વિકાસનું
કાર્ય રજૂ કરતાં 1,70,000થી
વધુ વૃક્ષારોપણ અને કુકમા હિલ તથા નજીકના નદી વિસ્તારમાં 211 જુદી-જુદી પ્રજાતિના 3,50,000થી વધુ વૃક્ષ રોપાયા હોવાનું
જણાવ્યું હતું. આશાપુરા ફાઉન્ડેશને મહિલા વિકાસ
પર કેન્દ્રિત કાર્યો રજૂ કર્યાં. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ વોટર ન્યુટ્રાલિટી, ગ્રીન એનર્જી અને મિયાવાકી ફોરેસ્ટ વિકાસ સાથે-સાથે
હવામાંથી પાણી ઉત્પન્ન કરનાર મશીન તથા સીએસઆર
હેઠળ 5.5 હેક્ટર જમીન
અને રૂા. પાંચ કરોડની ફાળવણીની માહિતી આપી. સાત્ત્વિક ઇકોલોજિકલ ફાર્મિંગને પ્રોત્સાહન
સંસ્થાએ ઇકોલોજિકલ ખેતી, બીજ વિવિધતા,
જમીન આરોગ્ય અને જાગૃતિના કાર્યો પર ભાર મૂક્યો. ઓપન ડિસ્કશન દરમિયાન
સરહદ ડેરીએ નાના પશુપાલકોને સીધો ટેકો આપવા માટે સીએસઆર સહયોગની તકો પ્રસ્તાવિત કરી.
ફોકીઆ સીએસઆર કમિટી ચેરમન દીપેશ શ્રોફે ત્રણ મુખ્ય હિતધારકો-કંપનીઓ, એનજીઓ અને એસોસીએશન્સ-ને એકસાથે કામ કરીને ટકાઉ વિકાસને આગળ વધારવાનું મહત્ત્વ
જણાવ્યું હતું. ફોકીઆના મેનાજિંગ ડિરેક્ટર, નિમિષ ફડકેએ ઉદ્યોગોએ
કરેલી પહેલોને બિરદાવી હતી. સરકાર, ઉદ્યોગો, એનજીઓ અને લોકસમુદાય-સહિયારી ભાગીદારીથી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે મંથન કરવાનું
સૂચન કર્યું હતું. એવરેસ્ટ કાંટો સિલિન્ડર લિમિટેડ, જીએચસીએલ
લિમિટેડ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કારગિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પાર્લે પ્રોડક્ટ્સ
પ્રાઇવેટ લિમિટેડ, પેનાસોનિક, ડોર્ફ કેટલ
કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડીપી વર્લ્ડ : મુંદરા ઇન્ટરનેશનલ
કન્ટેનર ટર્મિનલ , ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, સરહદ ડેરી, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ,
20 માઇક્રોન્સ લિમિટેડ અને એસઆરજી
પ્લાય એન્ડ બોર્ડસ જેવા ઉદ્યોગો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન, ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી,
ખુશી ફાઉન્ડેશન, કચ્છ મહિલા વિકાસ સંગઠન,
સહજીવન, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રાનિંગ ઇન્સ્ટિટયૂટ, સૃજન-એલએલડીસી,
યુસુફ મહેરઅલી સેન્ટર અને આશાપુરા સેવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સ્વાગત હરીશ હુરમાડે, સીએસઆર હેડ, આશાપુરા ફાઉન્ડેશન અને સંચાલન બિરેન બ્રહ્મા,
સીએસઆર હેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ
અને આભારવિધિ મમતા વાસાણી, સિનિયર એક્ઝિક્યુટિવ, ફોકીઆ દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું આયોજન ફોકીઆના શિવાની ભગત અને જીનિશા
સદાણી કર્યું હતું.