• ગુરુવાર, 26 માર્ચ, 2026

જ્યારે લોકો ગર્વથી કહે છે; `આ બસ મારાં ગામની છે'

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 24 : વિદ્યાર્થીઓ હોય, ધંધાર્થીઓ હોય, ગામલોકો હોય કે, અપડાઉન કરતા નોકરિયાતો હોય, એસટી બસ એ એમના રોજબરોજનાં જીવનમાં વણાયેલું મહત્ત્વનું અંગ છે. ભલે, આજે ખાનગી બસો, છકડાનો વ્યવહાર વધ્યો પણ એસટીનો ગામલોકો સાથે એક અલગ જ લાગણીનો નાતો હજુ ક્યાંક પહેલાંનાં વર્ષો જેવો જ જોવા મળે છે. - રાજ્યસ્તરની ભરતી પહેલાં તો ગામના પોતાના ડ્રાઇવર-કન્ડક્ટર ! : રાજ્યસ્તરની ભરતીઓ શરૂ થયા બાદ ડ્રાઇવર- કન્ડક્ટરો બદલતા રહ્યા અને આજે તો ભરતી થાય અને બીજી નોકરી મળે તો અન્ય જિલ્લાના યુવાન કે યુવતી છ મહિના કે વર્ષમાં જ છોડીને જતા હોય એવું બને છે, પરંતુ હજુ એવા ઘણા એસટી ડ્રાઇવર-કન્ડક્ટરો પણ છે. જે નોકરીમાં લાગ્યા ત્યારથી પોતાના વતનના તાલુકામાં જ નહીં, નિવૃત્તિના આરે પહોંચ્યા ત્યાં સુધી એ જ રૂટની બસોમાં ફરજ બજાવે છે અને ગામલોકો સાથે પરિવાર જેવો સંબંધ બંધાયેલો છે. જો કેધીમે-ધીમે ડ્રાઇવર-કન્ડક્ટરોની આ પેઢી હવે નિવૃત્તિના આરે પહોંચી છે. - રૂટ ને ડ્રાઇવર-કન્ડક્ટર એકબીજાની ઓળખ : મુંદરા તાલુકાનો રોચક દાખલો લેવામાં આવે તો અહીં ગામડાંઓને આવરી લેતા બે રૂટ એવા છે કે જેમાં ડ્રાઇવર-કન્ડક્ટરો અને એમના રૂટની બસ એ એકબીજાની ઓળખ બની રહ્યા છે. મુંદરા તાલુકાના લુણી ગામમાં એક બસ રાત્રિ રોકાણ કરે છે. જે પરોઢિયે ઉપડીને ભુજ આવે અને વળતાં પણ ગામડાંઓ ફરીને પરત આવે, એવી જ રીતે એક બસ વાંકીમાં રાત્રિ રોકાણ કરે છે અને ગામડાંઓનાં રૂટમાં ફરતાં-ફરતાં લોકજીવન સાથે વણાયેલી છે. - એસટીના આરંભ કાળથી પરોઢનો લુણી રૂટ : 1994ની એ સમયની સ્થાનિક ભરતીમાં નોકરીમાં જોડાયેલા મૂળ મુંદરા તાલુકાના પત્રી ગામના ભીમજીભાઇ મહેશ્વરી કહે છે કેલુણીવાળો રૂટ એસટીના આરંભ કાળ એટલે કે લગભગ1962થી ચાલુ છે. જે ખાસ કરીને માછીમારો અને વિદ્યાર્થીઓ માટે છે. સ્થાનિકના વેરશીભાઈ મહેશ્વરી અને મારો વર્ષોનો આ રૂટ છે. આ પહેલાં લુણી ગામમાં બસ રાત રોકાણ કરતી, હવે લુણી ગણેશ મંદિર સંકુલમાં પ્રમુખ કિશોરભાઈ પિંગોલના સહકારથી ડ્રાઇવર-કન્ડક્ટરો માટે વિશેષ સારી વ્યવસ્થા કરાઇ છે.  સવારે 5.15 વાગ્યે ઉપડતી આ બસનો રૂટ માછીમારો વિદ્યાર્થીઓ અને ગણેશ મંદિરના દર્શનાર્થીઓ માટે ખાસ અનુકૂળ છે. આ રૂટમાં 12 વર્ષથી જોડાયેલા મૂળ વાંકીના  ડ્રાઇવર રબારી જેમલ દેવાએ વધુમાં ઉમેર્યું કે, વિદ્યાર્થી હોય કે બીમાર વ્યક્તિઓ કે અન્ય કારણે વહેલા ભુજ જવા માંગનારાઓને સવારે બરાબર 7.30 વાગ્યે  ભુજ પહોંચાડી જ દઈએ છીએ. લુણીના એસ.ટી.ના દૈનિક મુસાફર ઓસમાણભાઈ ચામડિયા કચ્છમિત્રને કહે છે કે, લુણી બસ તો અહીંના માછીમારી વર્ગ માટે દાયકાઓથી બહુ જ મહત્ત્વનો આધાર છે અને વહેલી સવારે જ નીકળતી હોવાથી વચ્ચે આવતા ગામોની કોઈ હાઈસ્કૂલ હોય કે ભુજની કોલેજ હોય વિદ્યાર્થીઓ માટેય બહુ ઉપયોગી અને રાજિંદા જીવનમાં વણાયેલી છે. - પ્રસંગમાં ગામલોકો કહી દે : `કાલે તમને ટિફિન નથી લઈ આવવાનું' ! : મુંદરા તાલુકાના વાંકી પત્રીનો રૂટ પણ આવો જ ગ્રામ્ય વર્ગને જોડતો રૂટ છે. જેના કન્ડક્ટર મૂળજીભાઈ ભરારિયા કહે છે કે, ગામડાંના રૂટની બસનો એટલો લગાવ હોય છે કે, અમારા રૂટના ગામડામાં પ્રસંગ હોય તો અમને આમંત્રણ હોય જ અને કહી દે કે, તમારે ટિફિન નથી લાવવાનું. - લોકો બોર્ડ ન વાંચે; કન્ડક્ટરને જોઈ બેસી જાય! : મૂળજીભાઇ વધુમાં કહે છે કે, આવા જૂના રૂટની બસમાં ગામડાઓમાં કોઈ બોર્ડ  ન જુવે, માત્ર અમને જુએ એટલે કઈ બસ છે એ સમજીને બેસી જાય. 1994થી આ  રૂટમાં છું, એટલે જે બસમાં ભણવા આવ-જા  કરતા એવા વિદ્યાર્થીઓ  છે કે જે આજે હવે પિતા બની ગયા છે અને એના છોકરાંઓને પણ હવે આ જ બસમાં અપડાઉન કરતા જોવું છું.  લોકોનો બસ સાથે એટલો ઘરોબો બંધાઈ જાય છે કે, જાણે ઘરની જ ગાડી હોય. ઘણીવાર ટિકિટ આપી દઈએ પછી કહે કે, પૈસા કાલે આપીશ એટલો મુસાફરો સાથે આવા જૂના રૂટમાં સંબંધ હોય છે.  આ રૂટમાં સતુભા જાડેજા અને નટુભા જાડેજા પણ મુંદરા તાલુકાના જ વતની અને વર્ષોથી જોડાયેલા છે. - કચ્છમાં ઘણા રૂટ એવા છે જે એસટીના પ્રારંભથી છે  અને આત્મીયતા એવી કે બસ અમારી : ડેપો મેનેજર : મુંદરા, તા. 24 : જેમના પિતા પણ રાપર એસટી ડેપો મેનેજર રહી ચૂક્યા છે, એવા મુંદરા ડેપો મેનેજર વિશાલપુરી બાબુપુરી ગોસ્વામી કહે છે, કચ્છમાં ઘણા એવા રૂટ છે જે એસટીના પ્રારંભથી છે અને લોકો સાથે એવી આત્મીયતા ધરાવે છે કે આ બસ એસટીની નહીં જાણે અમારા ગામની જ છે. આ ડેપોના બહુ જૂના કર્મચારીઓમાં હેડ મિકેનિક મુંદરાના જ સમેજા ફકીરમામદ આમદ પણ પિતાને પગલે એસ.ટી.માં છે. આવા કર્મચારીઓ સ્થાનિકના હોવાને કારણે એકબીજાને ઓળખતા એટલે સીધો ફોન કરીને જાણી લે કે બસ આજે કેમ મોડી પડી ? આ ડેપોના બહુ જૂના કર્મચારીઓમાં આલાસિંહ જાડેજા, કલ્યાણ મહેશ્વરી, લક્ષ્મણાસિંહ જાડેજા, કમલ મોઢઅમીન રંગવાણી, યોગેશ સેવક, નૂરમહમદ જત, અરાવિંદાસિંહ જાડેજા, જિતેન્દ્રાસિંહ સોઢા, ઉસ્તાદ સુમરા વિગેરેનો સમાવેશ થાય છે. 

Panchang

dd