કાઠડા (તા. માંડવી), તા. 24 : ગ્રીષ્મ ઋતુના
પ્રારંભ સાથે જ સીમાડા વિસ્તારોમાં પશુઓ માટે પાણીની તંગી સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં
પાંચોટિયા બાડાના સીમાડા વિસ્તારમાં અબોલ પશુઓ માટે પાણી ઉપલબ્ધ રહે તે માટે ફોરેસ્ટ
વિભાગમાં ફરજ બજાવતા કાઠડા ગામના નવીનભાઈ જે. ચારણે સોલારથી પાણીના અવાડા ભરવાની નવતર
પ્રેરણાદાયક પહેલ કરી છે. દરિયાકાંઠા નજીક પોતાની સૂઝબૂઝથી મીઠા પાણીનો સ્રોત શોધી
લગભગ 12 ફૂટ ઊંડો કૂવો બનાવી તેમાં
કુંડી બેસાડી મૂંગા પશુઓ માટે મીઠા પાણીની સીમાડામાં વ્યવસ્થા ઊભી કરાઈ છે, જે પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહે તેવી લાગણી બતાવાઈ છે. નવીનભાઈએ જણાવ્યું હતું કે, બે-ત્રણ જગ્યાએ સીમાડામાં અવાડા બનાવી અને પવનચક્કી દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા
ઊભી કરી નવી પહેલ શરૂ કરી છે. આધુનિક પદ્ધતિથી સોલાર પેનલ અને સોલાર મોટર લગાવી કાયમ
અવાડો ભરાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે જરૂરી ફાળો મોબાઈલના
સ્ટેટસનાં માધ્યમથી એકત્ર કરાયો હતો. અનેક દાતાના સહયોગથી આશરે એક લાખ જેટલી રકમ એકત્ર
કરી તેમાંથી આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવાયું હતું. મોબાઈલ યુગમાં ટેક્નોલોજીનો
ઉપયોગ સમાજસેવા માટે સફળ સાબિત થયો હતો. સોલાર મોટર અમરેલીથી પંકજભાઈ દ્વારા ઉપસ્થિત
રહીને લગાવવામાં આવી હતી. આ સબમરીન મોટર પાણીમાં જ કાર્યરત રહે છે તે આ જિલ્લા માટે
પ્રથમ પ્રકારનો પ્રયોગ છે. આસપાસ તળાવ કે અન્ય પાણીના સ્રોત ન હોવા છતાં જમીનમાંથી
પાણીનો ઉપયોગ કરીને પરબ ઊભી કરાઈ છે. આવનારા ગરમીના દિવસોમાં પશુઓને પાણી માટે ભટકવું
ન પડે તે હેતુથી આ પ્રયાસ હાથ ધરાયો છે.