માતાના મઢ (તા. લખપત), તા. 24 : કચ્છ કુળદેવી
મા આશાપુરાના પ્રાગટય સ્થાનક મઢ ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે હજારોની સંખ્યામાં માઈભક્તે
શીશ નમાવી રાસ-ગરબા, મહાઆરતી,
અન્નક્ષેત્રનો લાભ લીધો હતો. આસોની જેમ ચૈત્રી નવરાત્રિમાં પણ ભુજ,
અંજાર માંડવી, નખત્રાણા, ભચાઉ તાલુકાના હજારો પદયાત્રીઓ માતાના મઢ ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા,
તો અબડાસાના પદયાત્રીઓ સાતમા નોરતે હવનનાં દર્શનનો લાભ લેતા હોય છે.
ચોથા નોરતે રવિવાર હોવાથી એક જ દિવસમાં 50 હજારથી વધુ ભાવિકો ઊમટયા હતા અને 10 હજાર જેટલા દર્શનાર્થીએ અન્નક્ષેત્રનો
લાભ લીધો હતો, તેવું મઢ જાગીરના મેનેજર
મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાંચમા નોરતે મઢની ગરબીમાં જાગીર અધ્યક્ષ રાજાબાવા
યોગેન્દ્રસિંહના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં ગુજરાતના
ખ્યાતનામ કલાકારો ઉમેશ બારોટ અને રાજા વાસુએ રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી, જેનો બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આવતીકાલે બુધવારે સપ્તમીએ
રાત્રે 9-30 કલાકે હવનનો પ્રારંભ થશે અને
રાત્રે 12-15 કલાકે પૂર્ણાહૂતિ થશે, ત્યાર બાદ આશાપુરા અને હિંગલાજ મંદિરે આરતી
થશે, બંને મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે આખી રાત ખુલ્લાં રહેશે.
અહીં દર નવરાત્રિ દરમ્યાન હજારોની સંખ્યામાં આવતા ભાવિકોને રખડતા આખલાઓના ત્રાસનો ભોગ
બનવું પડતું હોય છે, પરંતુ આ વર્ષે 30 જેટલા નંદીને રાતાતળાવ પાંજરાપોળમાં
મુકાતાં યાત્રિકો તથા ગામલોકોએ રાહત અનુભવી હતી.