ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 24 : પેટ્રોલ-ડીઝલની ખેંચના અહેવાલ
અને બીજા દિવસે પણ અમુક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા ધસારાને પગલે કચ્છમાં ખરેખર
સત્ય હકીકત શું છે તેની આંકડાકીય વિગતો મેળવવા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીનો સંપર્ક
સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં
પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે અને ઇંધણની ગાડીઓ બહારથી હજુ આવી રહી હોવાથી થોડી રાહત છે. તેમણે જણાવ્યું હતું કે,
કચ્છમાં છ ઓઇલ કંપનીઓ આઇ.ઓ.સી., બી.પી.સી.એલ.,
એચ.પી.સી.એલ., નાયરા, રિલાયન્સ
અને શેલ કંપનીના કુલ્લ 346 પેટ્રોલપંપ
ધમધમે છે. કચ્છમાં 1.38 કરોડ લિટર
ડીઝલની ક્ષમતા છે તેમાંથી આજના દિવસે 51.85 લાખ લિટર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. એવી જ પેટ્રોલની વાત કરીએ
તો 57.78 લાખની કુલ્લ ક્ષમતા સામે 19.72 લાખ લિટર પેટ્રોલનો હાજર સ્ટોક
છે. નાયરા અને શેલ પેટ્રોલપંપ પર જથ્થો જામનગરથી આવે છે એટલે જે ગઇકાલે એકસાથે લાઇનો
લાગતાં માલ ખૂટી ગયો અને હવે ટેન્કર રસ્તામાં છે. આજ સાંજ સુધી આવી જતાં બંને ઉપર પેટ્રોલ
પૂરતું મળી રહેશે એમ પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. બાકીની ચાર ઓઇલ કંપનીઓના પેટ્રોલપંપ
ઉપર ટેન્કરો કંડલાથી આવતાં હોવાથી તમામ પંપ ઉપર જથ્થો ઉપલબ્ધ છે. દૂરના વિસ્તારોમાં
ગઇકાલે સાંજે માલ ખૂટી ગયાની વિગતો મળી છે ત્યાં માલ આજે આવી જશે તેવી સ્પષ્ટતા તેમણે
કરી હતી. કચ્છમાં કુલ્લ 346 પેટ્રોલપંપ
છે. ગઇકાલ કરતાં આજે માલ વધી ગયો છે. કાલે ડીઝલ 39 લાખ લિટર તો પેટ્રોલ 18 લાખ લિટર હતું તેમાં ઊલટાનું આજે વધારો થયો છે. કોઇ પંપને બાદ
કરતાં આજે ક્યાંય કતારો પણ નથી. સરકારની સૂચના પ્રમાણે પેટ્રોલપંપ ઉપરથી કોઇને બેરલ
કે ડબ્બામાં ડીઝલ-પેટ્રોલ આપવાની મનાઇ છે. માત્ર વાહનોમાં ભરી દેવાશે. કોઇ કાળાબજાર
કરીને વેચાણ કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે એમ પુરવઠા અધિકારીએ કહ્યું હતું. બીજીબાજુ
કચ્છમાં ઇંધણ વેચાણ અંગેના મળેલા આંકડા જોઇએ તો પેટ્રોલનું વેચાણ દૈનિક ચાર લાખ લિટર
છે જ્યારે ડીઝલનું વેચાણ 25 લાખ લિટર
છે તેવી સત્તાવાર રીતે વિગતો મળી છે. - માલ છે તો છેવાડાનાં ગામોમાં
જથ્થો ખલાસ કેમ ? : ભુજ, તા. 24 : મધ્ય-પૂર્વ દેશો વચ્ચે ચાલી રહેલી ભયંકર અશાંતિનાં પગલે તેની
અસર ભારત અને દેશના છેવાડાના કચ્છ સુધી પહોંચી ચૂકી છે. ગઇકાલે પેટ્રોલપંપ પર લાગેલી
કતારોને ક્યાંક અફવા ગણાવાઇ હતી પરંતુ આજે કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઇંધણની અછત
સાચા અર્થમાં હોવાની વિગતો બહાર આવી છે, તેની વચ્ચે વહીવટી તંત્રે સમીક્ષા બેઠક યોજીને અફવાથી દૂર રહેવાની અપીલ કરી
છે. ગઇકાલે ભલે સોશિયલ મીડિયાની અફવા ગણાવાઇ હતી પરંતુ આજે મળેલી વિગતો પ્રમાણે છેવાડાના
ખાવડા, નિરોણા, દયાપર, નલિયા, રાપર જેવા વિસ્તારમાં ઇંધણનો જથ્થો ખલાસ હતો,
તો ક્યાંક સાવ મર્યાદિત સ્ટોક હોવાના કારણે વાહનચાલકોને પરત ફરવાની નોબત
આવી હતી. અફવાથી દૂર રહેવાની ખુદ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી
દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, પૂરતો જથ્થો
ઉપલબ્ધ છે. જો જથ્થો પૂરતો છે તો છેવાડાના ગામડાંઓમાં નો સ્ટોકનાં પાટિયાં શા માટે લગાડવામાં આવ્યાં છે તેવું ત્યાંના લોકોએ જણાવ્યું
હતું. ક્યાંક અફવા તો ક્યાંક તંગીની સ્થિતિ વચ્ચે આજે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને
તથા પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલી તમામ ઓઇલ માર્કાટિંગ
કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ
કચ્છમાં તમામ પેટ્રોલપંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે,
પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને
અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલની અછત અંગેના
અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા નાગરિકોને અનુરોધ કરતાં ક્લેકટરે વધુમાં જણાવ્યું
હતું કે, ઇંધણ અંગે ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી,
પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવું, પેટ્રોલપંપ
પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી. કોઇપણ ભ્રામક
માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને
આગળ ન ફેલાવવી. જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે
સતર્ક છે અને ઇંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છ એસ.પી.
વિકાસ સુંડાએ કંપનીઓને કોઇ તત્ત્વો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ
ન થાય તે માટે પેટ્રોલપંપ માલિકોને તાકીદની જાણ કરવા તેમજ માત્ર વાહનમાં જ પેટ્રોલ
ભરવા, અન્ય કોઇ રીતે છૂટક વેચાણ ન કરવા તાકીદ કરી હતી. જો આ પ્રકારની
પ્રવૃત્તિ થતી હશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા
અધિકારી અર્શ હાશ્મીએ આંકડાકીય વિગતો બેઠકમાં રજૂ કરી હતી. - સોમવારે પેટ્રોલ-ડીઝલ
વેચાણમાં મોટો ઉછાળો : ભુજ, તા. 24 : પેટ્રોલ-ડીઝલની તંગી થવાની
છે તેવા સોશિયલ મીડિયામાં સમાચાર લોકોના મોબાઇલ પર ફરતા થતાં જ ગઇકાલે સોમવારે એક જ
દિવસમાં ઇંધણની ખપતમાં ઉછાળો આવ્યો તે ચોંકાવનારો છે. જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ
કચ્છની છ ઓઇલ કંપનીઓ પાસેથી પાંચ દિવસના સરેરાશ વેચાણના આંકડા માગ્યા હતા. કુલ્લ 346 પેટ્રોલપંપ પરથી ડીઝલનું વેચાણ
25 લાખ લિટર દૈનિક રહે છે, જ્યારે પેટ્રોલનો વપરાશ દરરોજ ચાર લાખ લિટર
જેટલો રહ્યો છે, પરંતુ 23 તારીખ એટલે કે ગઇકાલે ડીઝલનું
વેચાણ એક જ દિવસામાં 28 લાખ લિટરને
પાર કરી ગયું હતું, તો પેટ્રોલમાં
એ જ દિવસે પાંચ લાખ લિટરનો ઉછાળો આવતાં વેચાણ 4 લાખ લિટરના બદલે 9 લાખ લિટર થયું હતું. તેમણે 19 માર્ચથી વેચાણના આંકડા આપ્યા
હતા અને 23 તારીખના વેચાણના આંકડા પરથી
લાગે છે કે, એકઝાટકે ખરીદી વધુ થતાં
ખેંચ થઇ છે.