ભુજ, તા. 11 : ભુજથી અંજારના ધોરીમાર્ગ પર
રોજિંદી ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ સમાન બની છે. આજે રેલડી ફાટક પાસે એક કલાકથી વધુ
સમય સુધી ટ્રાફિકમાં લોકો અટવાતાં પરેશાન બન્યા હતા. જલ્દી નીકળવાની લહાયમાં ભારે વાહનો
ટ્રાફિક નિયમનો ભંગ કરી ત્રણ-ત્રણ લાઈન કરી દેતાં ટ્રાફિકજામ વધુ ગૂંચવાયો હતો. આમ
આવા વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવા અટવાયેલા ચાલકોએ રોષપૂર્વક જણાવ્યું હતું.
ભુજ-અંજારનો ધોરીમાર્ગ 24 કલાક નાનાં-મોટાં
વાહનોથી સતત ધમધમતો રહેતો છે. માધાપર પાસે, ભુજોડી પુલ, શેખપીર, કુકમા અને
રેલડી ફાટક આસપાસ ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. આજે બપોરે ત્રણેક વાગ્યા
આસપાસ રેલડી ફાટક પાસે ટ્રાફિકજામ સર્જાયા બાદ આ જામમાં એક કલાકથી વધુ સમય સુધી વાહનચાલકો
અટવાતાં બપોરની ભારે ગરમી વચ્ચે પરસેવે રેબઝેબ થતાં અકળાયા હતા. બેથી ત્રણ એમ્બ્યુલનસ
પણ આ ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી. ટ્રક-બસ જેવાં ભારે વાહનો પણ ટ્રાફિક નિયમોનો ભંગ
કરી આ ટ્રાફિકમાંથી નીકળવા ત્રીજી લાઈન બનાવતાં ટ્રાફિકજામ વધુ ગૂંચવાયો હતો. ટ્રાફિક
નિયમન અર્થે ત્યાં કોઈ પોલીસ કર્મચારી હાજર નહોતા. ચાલકો વધુ પરેશાન બન્યા હતા. માર્ગ
વચ્ચે ભારે વાહન બગડતાં આ જામ થયાનું પણ સામે આવ્યું હતું. આ ટ્રાફિકજામ અંગે પોલીસવડા
અને પદ્ધર પોલીસ સુધી વિગતો પહોંચતાં પોલીસ પહોંચી હતી. ખરેખર આવા સતત ટ્રાફિકવાળાં
સ્થળે નિયમિત પોલીસ તૈનાત થાય તે જરૂરી હોવાનું તેમજ આવા ટ્રાફિકજામની મુશ્કેલી વચ્ચે
ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી થાય તે પણ જરૂરી હોવાનું અટવાયેલા
ચાલકોએ જણાવ્યું હતું.