• શુક્રવાર, 13 માર્ચ, 2026

ભુજમાં પાણી કટોકટી સમયનો વિકલ્પ બનશે `લેર ડેમ'

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 11 : ઉનાળાની શરૂઆત થાય એટલે ભુજવાસીઓને પાણી કાપની ચિંતા શરૂ થઈ જાય. આ ચિંતા દૂર કરવા થોડા સમય અગાઉ ધારાસભ્ય દ્વારા ધુનારાજા ડેમમાંથી નર્મદા નીર મેળવવા પ્રયત્નો આદરાયા હતા, પરંતુ ખર્ચની તુલનાએ વળતર ન  હોવા જેવો તાલ થતો હોવાથી હવે લેર ડેમમાંથી ભુજને દરરોજ 25થી 30 એમએલડી પાણી મળી રહે તેવા પ્રયત્નો શરૂ કરાયા હોવા સાથે ટૂંક સમયમાં આ યોજના પાર પડાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. ભુજ શહેર નર્મદા નીર પર આધારિત છે. નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાય એટલે ભુજને તરસ્યા રહેવાનો વારો આવે. વીજવિક્ષેપ પણ શહેરીજનોને પાણી વિતરણ પર કાપ માટે જવાબદાર રહેતો હોય છે. વળી, શહેરમાં અલગ-અલગ સ્થળોએ બનાવેલા બોર પણ શહેરની પાણીની જરૂરિયાત સંતોષી શકવામાં નિષ્ફળ છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાં જ ભુજવાસીઓને પાણીની ચિંતા શરૂ થઈ જાય છે. અમુક સંજોગોમાં તો સમગ્ર શહેર ટેન્કર આધારિત થઈ જતું હોય છે. - પાણી સંગ્રહશક્તિ અપૂરતી : અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ  છેલ્લાં અનેક વર્ષોથી નર્મદાનાં નીર પર જ આધારિત હોવાથી અને ખાસ કરીને નર્મદા નીર સંગ્રહની વ્યવસ્થાના અભાવે નર્મદા લાઈનમાં જરાસરખી ક્ષતિ પણ ભુજને તરસ્યા રાખી દે છે. જો કે, પાણી સંગ્રહ માટે શહેરમાં વિવિધ સ્થળે નગરપાલિકા દ્વારા ટાંકા બનાવાયા છે, પણ આ ટાંકાનું પાણી એક-બે દિવસની પાણીખાધ પૂરી શકે તેમ છે. - તળાવ કે ડેમ જ વિકલ્પ : આ બાબત ધ્યાને લઈ  આ માધ્યમે પાણી સંગ્રહ માટે તળાવ કે ડેમનો વિકલ્પ  વિચારવા ભુજ નગરપાલિકાના શાસકોનું ધ્યાન દોર્યું હતું, જેનાં પરિણામે છેલ્લા કેટલાક સમયથી પાણીના સંગ્રહનું પ્રકરણ ખુદ ધારાસભ્ય કેશુભાઈ પટેલે ગંભીરતાપૂર્વક હાથમાં લીધું  અને થોડા સમય પહેલાં ધુનારાજા ડેમમાં નર્મદા નીર ઠાલવી અને જરૂર પડે ત્યારે આ ડેમમાંથી ભુજને પાણી વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું. - ધુનારાજા ડેમમાંથી પાણી મેળવવું સરવાળે મોંઘું : તમામ જવાબદાર શાખાઓ સાથે બેઠકો અને વિચારોના અંતે આ ડેમમાંથી ભુજને પાણી પહોંચાડવું એ ખર્ચના પ્રમાણમાં આવક ઓછી હોવા જેવું થતાં આ યોજના માંડી વળાઈ અને હવે ભુજના પાણી સંકટ સમયની ચાવીરૂપ લેર ડેમ પર નજર  સ્થિર કરાઈ છે અને તેમાંથી ભુજને દરરોજ 25થી 30 એમએલડી પાણી મળી શકે તેવા પ્રયત્નો ધારાસભ્યનાં માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા શરૂ કરાયા છે. - નવા પ્લાન માટે ભુજ સુધરાઇ તૈયાર : આ અંગે વોટર સપ્લાય શાખાના ઈજનેર શિવમ ગોસ્વામીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, સુધરાઈ દ્વારા સિંચાઈ બોર્ડમાં દરખાસ્ત મોકલાઈ છે કે, સંકટ સમયે દરરોજ 60 એમએલડી પીવા માટે પાણી અનામત રખાય. આ દરખાસ્ત મંજૂર થતાં જીયુડીએમએમાં પ્રોજેક્ટ મંજૂરી માટે મોકલાશે અને ત્યારબાદ પાણી કેવી રીતે ભુજ સુધી પહોંચાડવું તેની કવાયત હાથ ધરાશે. આ અંગે ધારાસભ્ય કેશુભાઈ દ્વારા વિધાનસભા સુધી આ મુદ્દો લઈ જવાયો છે. પેપરવર્ક તમામ પૂર્ણ થઈ ગયું છે અને સિંચાઈમાંથી ગાંધીનગર હેડ ઓફિસ ખાતે મોકલાયું છે. આપણે પ્રાથમિક તૈયારીઓ કરી લીધી છે તેમ શ્રી ગોસ્વામીએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ નર્મદા નીરની કટોકટી સર્જાય છે, ત્યારે શહેરીજનો ખાનગી ટેન્કરોના આધારિત થઈ જાય છે અને આર્થિક ફટકા સહન કરવા પડે છે.  આવા સમયે જો સુધરાઈ ભુજ શહેરના તમામ ખાનગી ટેન્કરો પોતા હસ્તક લઈ કમસેકમ રાહત ભાવે વિતરણ કરે તો પણ ભુજવાસીઓને મોટી રાહત સાંપડે તેવું જાગૃતો કહી રહ્યા છે. કેમ કે, લોકો પાણીવેરો તો નિયમિત ભરે જ છે અને લોકોને જીવનજરૂરી વસ્તુઓ સમયસર મળી રહે તે જોવાની ફરજ પણ તંત્રની છે. - ધુનારાજામાંથી પાણી મેળવવું એ ઘાટ કરતાં ઘડામણી મોંઘી સમું : ઉપરોક્ત બાબતે ધારાસભ્ય કેશુભાઈ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ભુજની પાણી સમસ્યા દૂર કરવા ધુનારાજા ડેમમાંથી પાણી મળી રહે તે માટે મથ્યા, પણ સિંચાઈ, શહેરી વિસ્તાર વિકાસ અને પાણી પુરવઠા સાથે સંયુક્ત બેઠકો યોજી, જેના નિષ્કર્ષમાં એવું સામે આવ્યું કે, કુકમાથી પાણી ધુનારાજામાં ઠલવાય, પણ ડેમની હાઈટ 22 મીટર ઊંચી થાય છે, ત્યારબાદ પાણીના જથ્થાનો સર્વે કરતાં ભુજને ચાર દિવસ ચાલે તેટલું જ પાણી સંગ્રહી શકાય. ઉપરાંત લાઈનો લઈ આવવી, મોટરથી પાણી વિતરણ સહિત તમામ બાતો વિચાર્યા બાદ લેર ડેમ અંગે વિચારણા હાથ ધરાઈ અને ભુજ માટે દરરોજ 25થી 30 એમએલડી પાણી મળી શકે તેવું આયોજન હાથ ધરાયું છે અને ટૂંક સમયમાં લક્ષ્ય સુધી પહોંચી જશું તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.  

Panchang

dd