ભુજ, તા. 11 : મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો
થવા છતાં કચ્છમાં તાપની આકરી આણ યથાવત્ રહેતાં જનજીવન લૂવર્ષાથી તોબા પોકારી ઊઠયું
હતું. હવામાન વિભાગે ગરમીનું તીવ્ર મોજું વધુ બે દિવસ અકળાવશે તેવી આગાહી કરી છે. ઓરેન્જ
અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભુજમાં 39.4, અંજાર-ગાંધીધામમાં 39.7, કંડલા પોર્ટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાને ગરમીમાં કોઈ નોંધપાત્ર રાહત મળી નહોતી.
મધ્યાહ્ન સમયે તો ઘરથી બહાર નીકળવું દુષ્કર બન્યાનું સામાન્ય નાગરિકો જણાવી રહ્યા છે.
લઘુતમ પારો પણ ઊંચે ચડતાં રાત્રે અનુભવાતી શીતળતા ગાયબ થઈ ગઈ છે. હવામાન વિભાગે હીટવેવની
સાથે વોર્મ નાઈટની ચેતવણી જારી કરી છે. એટલે કે,
દિવસે તો આકરો તાપ કચ્છને અકળાવશે, પણ રાત્રેય
લોકોને રાહત મળશે નહીં. ગરમીનો પ્રકોપ વધતાં બપોરના સમયે તો સ્વયંભૂ સંચારબંધી લદાઈ
હોય તેવો સન્નાટો માર્ગો પર જોવા મળ્યો હતો. સાંજ ઢળતાં લોકો ઠંડી હવાની લહેરખી માણવા
નીકળ્યા હતા. ગરમીથી રક્ષણ મેળવવા ઠંડાપીણાનું
સેવન કરવા સાથે તાપરક્ષક સાધનોનો ઉપાડ વધ્યો છે.