નખત્રાણા, તા. 2 : રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ
ગામ વિસ્તારોને ધોરીમાર્ગથી જોડવાના અભિયાન અંતર્ગત આ તાલુકાના જિયાપર ગામનો દેશલપર
(વાં)થી નલિયા જતા ધોરીમાર્ગથી જોડતા 700 મીટર માર્ગનું સિમેન્ટ રોડના નિર્માણકામનો આરંભ થતાં જિયાપર
ગામવાસીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. સરકારના માર્ગ-મકાન (પંચાયત) વિભાગ દ્વારા જિયાપરના
આ નવા બનતા માર્ગ માટે તંત્ર દ્વારા રૂા. 83 લાખના ખર્ચે બનશે તે અંગે માહિતી આપતા કા.પા. ઇજનેર ઇન્સ્પેક્ટર
દિલેર સીદીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયત્નોથી દરખાસ્ત કરાયેલા રસ્તાનું કામ તંત્ર દ્વારા મંજૂર
કરાયું છે અને તેનું ખાતમુહૂર્ત શ્રી જાડેજાના હસ્તે કરાયું હતું. વાડી વિસ્તારમાંથી
પસાર થતા આ માર્ગમાં વારંવાર વરસાદી પાણી ભરાતાં આવાગમન માટે જિયાપર ગામવાસીઓને પારાવાર
મુશ્કેલી થતી હતી. આ રોડ બનતા ચોમાસામાં સર્જાતી પાણીની સમસ્યાનું નિવારણ થશે. આ મહત્ત્વના
માર્ગના નિર્માણકામ બદલ અહીંના જિલ્લા પંચાયતના સદસ્યા જયાબેન ચોપડા, બાબુભાઇ ચોપડા, સરપંચ અલ્પાબેન પટેલે ગ્રામજનો વતી ધારાસભ્ય
શ્રી જાડેજાનો આભાર માન્યો હતો.