• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

શિક્ષણક્ષેત્રે આગળ આવવા માલધારી સમાજને આહ્વાન

ભુજ, તા. 2 : વર્તમાન સમયમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે, ત્યારે માલધારી સમાજને સમય સાથે તાલ મિલાવી શિક્ષણક્ષેત્રે આગળ આવવા તાલુકાના ભુજોડી ખાતે આવેલા માલધારી મંગલ મંદિર કન્યા-કુમાર છાત્રાલય ખાતે દાતાઓના સહયોગે નિર્મિત મુખ્ય પ્રવેશદ્વાર, કન્યા છાત્રાલના રૂમોનું ઉદ્ઘાટન તેમજ પ્રાર્થના હોલ અને શેડના ખાતમુહૂર્ત પ્રસંગે આહ્વાન કરાયું હતું. ભુજોડી ખાતે લેવા પટેલ સમાજના અગ્રણી અને મુખ્ય દાતા સ્વ. હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયા (મૂળ ફોટડી હાલે મોમ્બાસા) પરિવારના રૂા. 1.25 કરોડ અને લેવા પટેલ સમાજના અગ્રણી કે.કે. પટેલ (સામત્રા હાલે નૈરોબી) પરિવાર દ્વારા રૂા. 25 લાખના ખર્ચે બનેલા કન્યા છાત્રાલયના રૂમો અને મુખ્ય પ્રવેશદ્વારનું  ઉદઘાટન તેમજ બીકેટી કંપનીના રૂા. 15 લાખના ખર્ચે બનનારા શેડ, સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની રૂા. પાંચ-પાંચ લાખની ગ્રાન્ટમાંથી બનનારા પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી, દાતા સ્વ. હસમુખભાઈ ભુડિયાના પરિવાજનોના હસ્તે કરાયું હતું. આ તકે રાજ્યમંત્રી  ત્રિકમભાઈએ જણાવ્યું કે, કાંકરે-કાંકરે પાળ બંધાય અને ટીપે-ટીપે સરોવર ભરાય તેમ આ નાના વૃક્ષમાંથી વટવૃક્ષ બનેલા વિદ્યાસંકુલમાં અભ્યાસ કરી માલધારી સમાજને વર્તમાન સમયમાં જેની ખાસ જરૂરત છે તેવા શિક્ષણક્ષેત્રે આગળ આવવા આહ્વાન કર્યું હતું. સાંસદ વિનોદભાઈએ સરકારી ગ્રાન્ટો અને સમાજ તેમજ અન્ય ફાળામાંથી બનેલા સંકુલમાં સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ કરી આગળ વધવા તેમજ હજુ પણ ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી સાથે  તેમણે દાતા પરિવારને બિરદાવ્યું હતું. આ સંકુલ માટે મંગલ મંદિરના ટ્રસ્ટી માંડણભાઈ રાણાભાઈ રબારી દ્વારા રૂા. 11 લાખ, અરજણભાઈ સુજાભાઈ રબારી (એલ.સી.સી.-અમદાવાદ) નવ લાખ, રામજીભાઈ મનજીભાઈ ગામી દ્વારા રૂા. 7.72 લાખ, જેમલભાઈ કાનાભાઈ રબારી (અખિલ કચ્છ રબારી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ-કોડકી) રૂા. 5.51 લાખ, સુંદરબેન દેવશી ભુવા (માધાપર-યુકે.) રૂા. 5.51 લાખ, મેઘબાઈ મૂળજી કરસન દબાસિયા રૂા. 3.80 લાખઆશાપુરા ફાઉન્ડેશન-ભુજોડી રૂા. 3.76 લાખ, જાદવજી માવજી સેંઘાણી માધાપર રૂા. ત્રણ લાખ, માવજીભાઈ લખમણભાઈ કેરાઈ માધાપર રૂા. 2.51 લાખ, મેઘમંડલેશ્વર રામબાલકદાસજી બાપુ (દુધઈધામ) રૂા. 2.11 લાખ, સારંગભાઈ ભોપા (એજ્યુકેશન ટ્રસ્ટ-ભોપાવાંઢ) રૂા. 2.1 લાખ, ગીરધરભાઈ મેઘજીભાઈ પિંડોરિયા (માધાપર-કેન્યા) રૂા. બે લાખ તેમજ રૂા. 51 હજારથી લઈને 1.50 લાખના અનુદાન આપનારા દાતાઓ, સમાજના સંતો-મહંતો, ધો. 10ના 100 ટકા પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ-શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે વાળીનાથ મહાદેવ મંદિર તરભના મહંત જયરામગીરીબાપુ, વડવાળા મંદિર દુધરેજના કોઠારી મહંત મુકુંદરામદાસબાપુ, વડવાળા મંદિર દુધઈના સંત સીતારામદાસ બાપુ, વિરમનાથબાપુ (બેરૂ), સહદેવભાઈ રાયસણ, ટ્રસ્ટીઓ જેમલભાઈ રબારી, રાજાભાઈ મમુભાઈ, માંડણભાઈ, રમેશભાઈ થાવરભાઈ, અરજણભાઈ, ગીતાબેન, હમીરભાઈ, પ્રમુખ હીરાભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd