નવી દિલ્હી, તા. 2 : પાકિસ્તાન
સામે ભારત દ્વારા પગલાં જારી રહે તેવા આસાર છે. સિંધુ જળ સમજૂતી તોડવાથી લઈને હવાઈ
ક્ષેત્ર ઉપર પ્રતિબંધ સહિતનાં એલાન ભારત પહેલાં જ કરી ચૂક્યું છે. તેવામાં પહેલાંથી
જ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.
અહેવાલ અનુસાર ભારત ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનને
ફરીથી સામેલ કરવાની કોશિશ કરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી મળતી મદદના મામલામાં
પણ પાકિસ્તાનને ઝટકો લાગી શકે છે. પાકને સહાય કરતી અન્ય વૈશ્વિક એજન્સીઓનો પણ સંપર્ક
કરાશે. એક અહેવાલ અનુસાર ભારત બે આકરાં પગલાં
ભરવાનો વિચાર કરી રહ્યું છે. જેમાં પહેલો વિચાર પાકિસ્તાનને એફએટીએફની `ગ્રે'
યાદીમાં સામેલ કરવાનો છે, જ્યારે બીજો વિચાર આઈએમએફના
સાત અબજ ડોલરના સહયોગ પેકેજ ઉપર વાંધો ઉઠાવવાનો છે. પ્રક્રિયાથી અવગત સૂત્રોના હવાલાથી
એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આઈએમએફ મામલે ભારત કહી શકે છે કે, પાકિસ્તાન આતંકવાદી હુમલા અને નાપાક ગતિવિધિ માટે ભંડોળનો ખોટો ઉપયોગ કરે છે.
નવમી મેના આઈએમએફ કારોબારી બોર્ડ પાકિસ્તાનના અધિકારીઓને મળવાનું છે, જેમાં વધારાના ભંડોળ સુવિધાની પ્રથમ સમીક્ષા કરશે. આઈએમએફ બોર્ડ તેના `ક્લાયમેટ રેઝિલિયન્સ લોન' યોજના હેઠળ પાકિસ્તાન માટે 1.3 અબજ ડોલરની નવી વ્યવસ્થાનું
મૂલ્યાંકન કરશે. આ ઉપરાંત તે ચાલુ સાત અબજ ડોલરના બેલઆઉટ પેકેજનું પણ મૂલ્યાંકન કરશે.
પાકિસ્તાનને ગ્રે યાદીમાં સામેલ કરાવવા ભારતને એફએટીએફના અન્ય સભ્ય દેશની પણ જરૂરિયાત
છે. પાકિસ્તાન એફએટીએફની ગ્રે સૂચિમાં સામેલ થતાં જ તેની સ્થિતિ વધારે કંગાળ બની જશે.
જૂન 2018 સુધી પાકિસ્તાન `ગ્રે'
યાદીમાં સામેલ હતું. જો કે ઓક્ટોબર 2022 બાદ તેને આ યાદીમાંથી બહાર
કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી,2025માં વર્લ્ડબેન્કે કંગાળ પાકિસ્તાનને
રોકફડની તંગી સહિતની સમસ્યાઓના નિવારણ માટે
20 અબજ ડોલરના ધિરાણની સહાય મંજૂર
કરી હતી. ભારત વિશ્વબેંન્કનો પણ સંપર્ક સાધવાની તૈયારીમાં છે.