ભુજ, તા. 2 : શહેર સુધરાઇ હસ્તકનાં ભંગાર
વાહનોની હરાજીનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જતાં હવે બીજો પ્રયત્ન હાથ ધરાયો છે, જેની સમય મર્યાદા પણ પાંચેક દિવસમાં પૂર્ણ થશે
તેમ છતાં હજુ કોઇએ ભંગાર વાહનો ખરીદવામાં રસ દાખવ્યો ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ભુજ સુધરાઇમાં લાંબા સમયથી અમુક વાહનો ભંગાર હાલતમાં પડયાં હોવા અંગેના સમાચાર આ માસમાં
પ્રકાશિત થતાં સુધરાઇ દ્વારા આ વાહનોને વેંચવા માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને માન્ય
ખરીદદારો પાસેથી ભાવ મંગાવાયા હતા. જો કે, ભંગાર વાહનો વેચાણ
માટેનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો અને કોઇએ ખરીદીમાં રસ ન દાખવતાં ફરી બીજો પ્રયત્ન
કરાયો છે. વાહન ખરીદી માટે સરકાર માન્ય પાંચેક ખરીદદારોને ફરીવાર ભાવ આપવા જાણ કરાઇ
છે, પરંતુ હજુ સુધી કોઇએ રસ નથી દાખવ્યો. ખરીદી માટેની સમય મર્યાદા
પૂર્ણ થવામાં હવે પાંચેક દિવસ બાકી છે, ત્યારે કોઇ ખરીદદાર વાહન
ખરીદવામાં રસ દાખવશે તેવી આશા સુધરાઇ રાખી
રહી છે. ભંગાર વાહનો અંગે માહિતી આપતા સેનિટેશન શાખાના એન્જિનીયર મિલન ગંધાએ જણાવ્યું
કે, આઠેક વાહનો ભંગાર હાલતમાં છે, જેને
10 વર્ષ પૂર્ણ થયાં છે અને અઢી
લાખ કિ.મી. પૂર્ણ થઇ ગયા છે. ઉપરાંત અમુક 14થી 15 વાહનને 10 વર્ષ પૂર્ણ નથી થયાં અથવા તો
કિ.મી. પૂર્ણ નથી થયા, પરંતુ તેની
હાલત ભંગાર થઇ ગઇ હોવાથી આવાં વાહનોનો અભિપ્રાય લઇ પ્રક્રિયા હાથ ધરાશે તેવું જણાવ્યું
હતું. અત્રે, ઉલ્લેખનીય છે કે, ભંગાર વાહનોનાં
વેંચાણમાં લાંબો સમય પસાર થઇ જતો હોવાની વાહનની હાલત વધુ ખરાબ થતાં ભંગારમાં પણ વેંચાણમાં
ખોટ ખાવી પડતી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવી આવાં વાહનો સત્વરે વેંચી નાખવા જણાવ્યું
હતું.