ગાંધીધામ, તા. 2 : રહેણાક મકાનમાં કોમર્શિયલ ગતિવિધિઓ મામલે એસ.આર.સી. દ્વારા એક
સાથે 61 પ્લોટની લીઝ રદ અને 200 જેટલા પ્લોટધારકને જવાબ આપવા માટે આપેલી નોટિસની કાર્યવાહીના પગલે આર્થિક પાટનગરની ઔદ્યોગિક ગતિવિધિને અસર પડી
છે. આ મામલે બેઠકોનો દોર સતત જારી છે. દરમ્યાન પીડિતો માટે એક અઠવાડિયા
માટે કાનૂની સલાહ કેન્દ્ર શરૂ કરાયું છે. દરમ્યાન એસ.આર.સી. ખાતે પણ પ્રતિદિન નોટિસો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી
છે, પરંતુ
હજુ સુધી નવી કોઈ નોટિસ આપવામાં આવી નથી. આ પ્રકરણે છેલ્લા એક અઠવાડિયાથી બેઠકોનો
ધમધમાટ ચાલી રહ્યો છે. એસ.આર.સી. દ્વારા એક
સાથે 61 મિલકતની લીઝ રદ કરી દીધી છે અને 200 લોકોને રહેણાક મકાનમાં
વ્યાવસાયિક ગતિવિધિ માટે કોઈ મંજૂરી મેળવી છે કે નહીં તે માટેના પુરાવા રજૂ કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ મુદતને આજે એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો
છે અને હવે જવાબ રજૂ કરવા માટે માત્ર
અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે 200 લોકોને જવાબ
આપવા માટે ગાંધીધામ ચેમ્બર ખાતે કાનૂની સહાયતા
કેન્દ્ર શરૂ કરાયું છે. રવિવાર સિવાય ચેમ્બર
ભવન ખાતે સવારે 10થી 1 તથા બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત
એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે નોટિસનો જવાબ આપવા માટે ઉપયોગી
બની રહેશે.દરમ્યાન 15 દિવસની નોટિસના
પગલે લોકોમાં ભારે ભય પ્રસર્યો છે. આદિપુરના રામબાગ રોડ ઉપર શો-રૂમ ખાલી કરીને તોડફોડ કરવામાં આવી રહી છે, તો મૈત્રી રોડ ઉપર નાના દુકાનદારો, શો-રૂમના ભાડુઆતો દ્વારા દુકાનો ખાલી કરવામાં આવી રહી છે. આ કારણે ગાંધીધામ-આદિપુરની ઔદ્યોગિક ગતિવિધિને બ્રેક
લાગી છે. દરમ્યાન સંયુક્ત મિટિંગ માટે પણ ગતિવિધિ ચાલી રહી હોવાના અહેવાલો સાંપડી રહ્યા
છે.