નવી દિલ્હી, તા. 2 : દિલ્હી-એનસીઆરમાં
શુક્રવારે સવારથી તોફાની પવન સાથે વરસાદથી જનજીવન ભારે પરેશાનીમાં મુકાયું હતું. દિલ્હી, ઉત્તરપ્રદેશમાં તોફાન, વરસાદ, વીજળી વેરણ બનવાની ઘટનાઓમાં ચાર-ચાર, છત્તીસગઢમાં ત્રણ મળીને કુલ 11 લોકોનાં મોત થઇ ગયાં હતાં. દિલ્હીમાં સવારે પાંચ વાગ્યાથી તોફાની
ગતિએ ફૂંકાયેલા પવનના પ્રહારથી અનેક વિસ્તારોમાં
ઝાડ પડી ગયાં હતાં. દ્વારકા સ્થિત ખારખડી નહરગામમાં એક મોટું વૃક્ષ મૂળસોંતું ઉખડીને
પડતાં એક મહિલા અને તેનાં ત્રણ બાળકે જીવ ખોયો હતો. ખરાબ હવામાનનાં કારણે દિલ્હી એરપોર્ટ
પર 100થી વધુ ઉડાનોને અસર થઇ હતી.
અનેક ભાગોમાં પાણી ભરાતાં નીચાણવાળા
વિસ્તારોમાં વસતા લોકો ભારે પરેશાન થઇ ગયા હતા.