ભુજ, તા. 2 : શહેરમાં રઘુવંશી નગર ચોકડી
પાસે પેટ્રોલ નાખીને સળગાવી દેવાના ચકચારી ખૂન કેસમાં ભુજના આરોપી ઘનશ્યામ કરસનદાસ
ઠક્કરને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મુકતો આદેશ કર્યો હતો. માર્ચ 2021ના જૂની વાતનું મનદુ:ખ રાખી
આરોપીઓ ઘનશ્યામ ઠક્કર અને હર્ષદ મુરજી ઠક્કરે પરેશ દાનાભાઈ પરમાર પર પેટ્રોલ છાંટી
આગ ચાંપી દીધી હતી, જે પછી પરેશભાઈનું
સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન આરોપી હર્ષદનું પણ કુદરતી મૃત્યુ થયું હતું.
આરોપી પક્ષે દલીલ કરાઈ હતી કે, પરેશે નશાની હાલતમાં આરોપી પર
પેટ્રોલ છાંટયું હતું, જેમાં તેના શરીરે પેટ્રોલ ઊડયું હતું અને
આગ ચાંપતાં પોતે દાઝી ગયા હતા, તો ઘનશ્યામભાઈને પણ ઈજા પહોંચી
હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ફરિયાદ પક્ષે કેસ ખોટો સાબિત થયો હોવાનો
ચુકાદો આપ્યો હતો અને આરોપીને નિર્દેંષ છોડી મુકતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ
તરફે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી,
ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, કુલદીપ મહેતા, દેવરાજ કે. ગઢવી, નરેશ ચૌધરી, હેતલ દવે અને પ્રશાંત રાજપૂત હાજર રહ્યા
હતા. - સજાનો હુકમ રદ : ભુજ તાલુકાના કેરા ગામના સજાદિયા ચેરિટેબલ
ટ્રસ્ટ દ્વારા ગામના રહેવાસી યાસીનબેન પ્યારઅલી તથા ગુલામ અબ્બાસ હુસેન સામે લોન પેટે
અપાયેલા ચેક પરત ફરવાના કેસમાં નેશોશિયેબલ કોર્ટે છ માસની સજા ફટકારી હતી, જેની સામે સેશન્સ કોર્ટમાં ધા નખાઈ હતી. અદાલતે
લોનધારકોએ નાણાં જમા કરાવી આપ્યા હોવાથી આ કિસ્સામાં સજાની જોગવાઈ કાયદા વિરુદ્ધ હોવાનું
તારણ આપી સજા રદ કરી હતી અને લોનધારકો યાસીનબેન અને ગુલામ અબ્બાસ હુસેને ટ્રસ્ટને વળતર
પેટે અનુક્રમે 85,000 અને
40,00 સાત દિવસમાં કોર્ટમાં જમા કરાવે
તેવો આદેશ કર્યો હતો. આ કેસમાં બંને અરજદારના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર અને કોમલ ચંદ્રેશભાઈ ઠક્કરે હાજર રહી દલીલ કરી હતી.
- વળતરનો દાવો નામંજૂર : અમદાવાદના પટેલ દશરથભાઈ ગોવિંદભાઈ સહિત
ચાર જણે વાયોરની અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. વિરુદ્ધ પોતાની માલિકીની જમીનમાંથી લાઈમસ્ટાન
ઉપાડવા ખોદકામ કર્યું હોવાથી રૂા. 18,74,73,600ના વળતરની માગણી કરતો દાવો કર્યો હતો, જે અંગે સિવિલ કોર્ટે હાથ ધરેલી સુનાવણીમાં
દાવો નોંધાવનારા જમીન તેમની માલિકીની હોવાનું પુરવાર કરી શક્યા નહોતા, જેથી કંપનીએ તેમને મંજૂર થયેલી લીઝવાળી જમીનમાં ખોદકામ કર્યું હોવાનું સાબિત
થતાં વળતરનો દાવો નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની
વતી ધારાશાત્રી વસંતભાઈ આર. ગઢવીએ હાજર રહી દલીલ કરી હતી.