ભુજ, તા. 2 : એક તરફ બન્ની વિશ્વ ફલક પર
છે, તો બીજીબાજુ અહીંના લોકો હજુયે પાયાની સુવિધાઓથી
વંચિત હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરાયો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર
મંચ દ્વારા બન્નીના ઉડઈ જૂથ ગ્રામ પંચાયતની
મુલાકાત લઈ ત્યાંના સરપંચ અને સ્થાનિકો સાથે મુલાકાત કરી અને સમગ્ર ગામની મુલાકાત લઇ
અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ જૂથ ગ્રામ પંચાયત હેઠળ ઉડઈ, જિમરીવાંઢ અને લખાબો ગામનો સમાવેશ થાય છે, ભીરંડિયારાથી
25 કિ.મી.ના અંતર પર આવેલા આ ગામમાં
રોડ બન્યા જ નથી, ભોજરડોથી 25 કિ.મી. જેટલો રોડ ગાડાવાટ જેવોય
નથી, રણ છે એ જ રસ્તો છે, અહીં
આજદિન સુધી શાળાનો પાયો નખાયો જ નથી, અંદાજિત 200 જેટલાં બાળકોનું ભવિષ્ય બરબાદ
થઇ રહ્યું છે, આંગણવાડી નથી, વીજળી નથી. 1200 જેટલી સંખ્યામાં
વસતા લોકો પાયાની સુવિધાઓથી વંચિત છે. પાણી માટે વલખા મારવા પડે છે અને માલધારીઓ ખુદના
ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડે છે, દરરોજ પૈસા ચૂકવીને પાણી મેળવવું પડે
છે, આરોગ્યની વ્યવસ્થા 25 કિ.મી. દૂર છે, તેથી વરસાદના સમયે પાણી ભરાય ત્યારે વાહનવ્યવહાર ચાલી શકે જ નહીં, જેથી હોસ્પિટલે પહોંચતા સમય લાગવાથી
વચ્ચે જ લોકોએ જીવ ખોઈ દીધા છે. આ મુલાકાત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના
પ્રમુખ હિતેશ મહેશ્વરી, ઉડઈના સરપંચ સલીમ સમા, કાસીમ નોડે, દેવ મારવાડા, તુલસીભાઇ
ગરવા, ભીલાલ સમા, રામજીભાઈ ભદરુ,
ભવ્ય ભોઈયા અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.