• મંગળવાર, 23 જુલાઈ, 2024

લારી-ગલ્લાનાં દબાણોથી પેન્શનર્સ ઓટલાને બચાવજો

નીતિન એલ. ઠક્કર દ્વારા : ભુજ, તા. 10 : શહેરના હૃદય સમાન હમીરસર તળાવ અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય ભુજની ઓળખ છે. તળાવ પાસે બેસી મીઠી હવાની લહેરખી માણી આહલાદક વાતાવરણની મજા ભુજવાસીઓ માણે છે. હવે, આ વિસ્તાર ખાણીપીણીની લારીઓની ચપેટમાં આવતાં નજીકના ભવિષ્યમાં આ મજા ભૂતકાળ બની જશે. ઠેર ઠેર ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ગોઠવાતી લારીઓ અને ગંદકીને કારણે ભુજ પોતાની સ્વચ્છતા અને સૌંદર્ય દિવસાદિવસ ગુમાવતું જાય છે. અહીંથી થોડે આગળ લેકવ્યૂ રોડની પણ આ જ સ્થિતિ છે. આ ઉપરાંત કલેકટર ઓફિસની સામે ફેરિયાઓ અનેક વસ્તુનું વેચાણ કરવા ગોઠવાય છે. એ જ રસ્તો દ્વિધામેશ્વર-જાદવજીનગર જેવા ભારે વાહનોથી ધમધમતા હાઈવે રોડ પર પણ કલિંગર, માટલા, ફૂલ-છોડ, ફ્રૂટ જ્યૂસ વિ. ના વેચાણ માટે ધંધાર્થી ફૂટપાથ પર અડિંગો જમાવી બેઠા છે. આ રસ્તા પર ખરીદી કરતી વખતે ગ્રાહકો માર્ગ પર સ્કૂટર-કાર પાર્ક કરે એટલે રસ્તો સાંકડો બનતો જાય છે, જેને પગલે લોકોને રસ્તો ઓળંગવામાં જીવનું જોખમ રહે છે. અનેક લોકો આસપાસ જોયા વિના જ કારનો દરવાજો ખોલી નાખતાં પૂર ઝડપથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જાવાનો ભય પણ રહે છે. રોજીરોટી રળવાની ના ન હોય,પરંતુ તેને પગલે કોઈના જીવ જોખમમાં મુકાય અથવા તો લોકોની સુવિધા છીનવાય તે પણ યોગ્ય નથી. ભુજ શહેરમાં  કોઈમાર્ગ કે ફૂટપાથ હવે લારી-ગલ્લાથી બાદ નથી. ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવે અને આવા ધંધાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા સાથે ભુજવાસીઓની જિંદગીને સલામતી બક્ષે, તેવું જાગૃતો કહી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang