ભુજ, તા. 14 : અહીં આયોજિત એનજીઓનાં મહાસંમેલનમાં
ઉપસ્થિત વિવિધ સેવા સંસ્થાના અગ્રણીઓએ સેવા સંસ્થાનાં કાર્યોને પીઠબળ પૂરું પાડતી આ
પહેલને બિરદાવી આ આયોજન થકી એનજીઓની નહીં કચ્છમિત્રની વિશેષ વંદના કરીએ તેવો અહોભાવ
વ્યક્ત કર્યો હતો. જાણીતા ખગોળશાત્રી
જે.જે. રાવલે પ્લેનેટોરિયમની સ્થાપનામાં કચ્છમિત્રનો સહયોગ મળશે તેવી લાગણી દેખાડી
હતી. લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ભરત મહેતાએ લાયન્સની પ્રવૃત્તિઓને બળ પૂરું પાડવામાં
કચ્છમિત્રએ ભજવેલી ભૂમિકાને બિરદાવી હતી. માંડવી ચેમ્બરના વાડીલાલ દોશીએ આ પહેલને અખબારી
દુનિયા માટે ઈતિહાસરૂપ ગણાવી હતી. વાચોનિધિ આર્યએ સંસ્થારૂપી મોતીઓને પરોવવાનાં કાર્યને
અભૂતપૂર્વ ગણાવ્યું હતું. અણુવ્રત સમિતિના મહેશ મહેતા, વી.જી. મહેતા, માનવજ્યોતના
પ્રબોધ મુનવર, સમર્પણ ધ્યાન કેન્દ્રના ડો. પ્રવીણ લીંબાણી,
કુકમાના ભાવિક ચૌહાણ,
નવજીવન સંસ્થા ભચાઉના જિતેન્દ્ર જોશી, લોકસેવા
સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી, શક્તિસેવા સંગઠનના બિનાબેન
ભાનુશાલી, જાયન્ટ્સના અશોક માંડલિયાએ કચ્છમિત્રએ સેવા સંસ્થાઓ
માટે સહયોગનો સેતુ રચ્યો તેને બિરદાવતાં કહ્યું કે, કચ્છમિત્રએ
નવા અભિગમ સાથે જે કાર્ય કર્યું છે તેના થકી
અમારાં કાર્યોને મજબૂત પીઠબળ મળશે.