નવી દિલ્હી, તા. 2 : ઉત્તરાખંડ
છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી બેહાલ છે. આજે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં બાર લોકોનાં
મોત થયાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નૈની તળાવનું પાણી 88 ફૂટને વટાવી ગયા બાદ ચેનલો
ખોલવામાં આવી હતી. રાજ્યમાં 172 રસ્તાઓ બંધ
છે. નૈનીતાલ, બાગેશ્વર અને દેહરાદૂનમાં
ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. પાંચ જિલ્લામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો
બંધ કરવામાં આવ્યા હતા. જન્માષ્ટમી પૂર્વે મથુરામાં પણ આજે ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી
ભરાયા હતા. દરમિયાન, બિહારમાં પણ પૂરનો ભય વધ્યો છે. ગંગા અને
પુનપુન સહિત અનેક નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. પટનામાં સવારથી વરસાદ પડતાં શહેરના
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ભાગલપુરમાં 100 વર્ષ જૂનું દુર્ગા મંદિર ધોવાણમાં
વહી ગયું હતું. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતાં બે
લોકોનાં મોત થયાં હતાં. ગાઝીપુરમાં ગંગામાં સ્નાન કરતી વખતે બે સગીરો તણાઈ ગયા હતા.
ઉન્નાવમાં વરસાદ પછી ગંગા એક્સપ્રેસવે પર લગભગ 7 ફૂટ ઊંડો ખાડો બન્યો હતો. આ ચોમાસામાં ગંગા એક્સપ્રેસવે તૂટવાની
આ બીજી ઘટના છે. દરમિયાન, બલિયામાં પૂરથી
લગભગ 20,000 લોકો પ્રભાવિત થયા હતા એમ અહેવાલમાં
જણાવાયું હતું. દરમ્યાન પૂર્વી મધ્યપ્રદેશમાં એક મજબૂત ચોમાસુ સિસ્ટમ સક્રિય છે. જબલપુર, રેવા, શહડોલ અને સાગર
વિભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચિત્રકૂટમાં મંદાકિની નદી ભયના નિશાનથી ઉપર છે.
રામઘાટ ખાતે લગભગ 400 દુકાનો અને
20-25 હોટેલો ડૂબી ગઈ હતી.