• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

સરપટ ગેટથી ભીડ નાકા સુધી દબાણો પર જેસીબી ફર્યું

ભુજ, તા. 2: છેલ્લા પાંચેક દિવસના વિરામ બાદ આજે સવારે ભુજ સુધરાઈ દ્વારા સરપટ નાકાથી ભીડ નાકા સુધીના વિસ્તારમાં કાચાં-પાકાં દબાણો પર જેસીબીથી ધોંસ બોલાવી હતી. કાર્યવાહી દરમ્યાન અમુક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી લીધાં હતાં. ભુજમાં માર્ગો અને ફૂટપાથ પર હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશને નાગરિકો બિરદાવી રહ્યા છે. જો કે, છેલ્લા પાંચેક દિવસથી યેનકેન કારણોસર કાર્યવાહી થંભી જતાં ભુજવાસીઓ નિરાશ થયા હતા અને ફરી એ જ દબાણો અને ટ્રાફિક સમસ્યા અંગેના વિચારથી વિચલિત થઈ રહ્યા હતા. અલબત્ત આજ સવારથી જ ફરી સુધરાઈની ટીમ દ્વારા જેસીબી સહિતનાં વાહનો સાથે અગાઉથી અપાયેલી નોટિસોને પગલે સરપટ નાકાથી નાના-મોટા તમામ કાચાં-પાકાં બાંધકામોરૂપી દબાણો પર ધોંસ બોલાવી હતી. આ કાર્યવાહી ભીડ નાકા સુધી કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ભુજ નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર દબાણોમાં કોઈ જ ભેદભાવ નથી રખાતો. નાની રેકડીથી માંડી પાકાં મોટાં દબાણોને પણ દૂર કરાઈ રહ્યાં છે. આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને ભુજ શહેરના માર્ગો - ફૂટપાથને દબાણમુક્ત બનાવાશે. અહીં ઉલ્લેખનીય છે કે, દબાણો દૂર થયાં બાદ વી. ડી. હાઈસ્કૂલી ઘનશ્યામનગર જતા માર્ગે, બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય સ્થળોએ પણ દબાણકારો ફરી ગોઠવાઈ રહ્યા છે અને દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે, જેથી તેમની સામે પણ કડક કાર્યવાહી કરાય જેથી હટી ગયા બાદ ફરી કોઈ દબાણ કરવાની હિંમત ન કરે, તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. મુખ્ય અધિકારીની સૂચનાને પગલે દબાણ શાખાના ઈન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા, ઈન્જિનીયરો મેહુલ ગોસ્વામી, મિલન ઠક્કર, શિવમ ગોસ્વામી, મહિપાલસિંહ ઝાલા સાથે સુધરાઈની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પાર પાડી હતી.

Panchang

dd