• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

છતે પાણીએ માધાપર નવાવાસના રહેવાસીઓ તરસ્યા

ભુજ/માધાપર, તા. 2 : શહેરના પરાં સમાન માધાપર ગામની 30-35 વર્ષ અગાઉની પાણીની લાઈન સામે નવી લાઈન બદલવામાં આ ગામની રૂરલ કે અર્બનની કેટેગરી નક્કી ન થવાથી મુશ્કેલી પડી રહી હોવાથી રહેવાસીઓ છતે પાણીએ તરસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એશિયાનાં સમૃદ્ધ ગામ ગણાતા માધાપર ગામની વસતી 2011 પ્રમાણે 15 હજાર બોલે છે, જ્યારે વર્તમાન સમયમાં ચારેકોર 15થી 20 કિલોમીટરમાં વિસ્તરેલાં આ ગામની વસતી વધીને 70 હજારે પહોંચી ગઈ છે, આ ગામને દૈનિક 1.20 કરોડ લિટર પાણીની જરૂરિયાત છે, જે પાણી પૂરું પાડવા નજીકનાં ગામ ભુજોડી ખાતે અત્યારની લાઈનમાં ગામના કાર્યરત 11 બોરમાંથી અંદાજે 50 લાખ લિટર ઉપરાંત નર્મદાનું પાણી મળીને કુલ 80 લાખ લિટર દૈનિક પાણી પુરવઠો મળી રહ્યો છે, એટલે કે, 1.20 કરોડ લિટર પાણી વહન કરવા માટે મોટી પાઈપલાઈન નાખવી પડે, તો જ ગામની 40 લાખ લિટરની ઘટ પૂરી થઈ શકે. ગામના સરપંચ વાલાભાઈ ડાંગરે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગામને પાણી પૂરું પાડવા ભુજોડી ખાતે પંચાયત દ્વારા 11 બોર બનાવાયા છે, જ્યાં પાણીનો સંગ્રહ કરી ભુજોડીથી આ પાણી લઈ આવવા માટે 30-35 વર્ષ અગાઉ પાણી યોજના બની હતી, જેમાં દોઢ ફૂટની પાઈપલાઈન બેસાડી ગામને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, આ યોજના બની ત્યારે ગામની વસતી ઓછી હતી, ત્યારબાદ ગામનો વિકાસ થતાં અનેક સોસાયટી અસ્તિત્વમાં આવતાં વર્તમાન સમયે ગામની વસતી વધીને પાંચ ગણી થઈ ગઈ છે. તેથી સ્વાભાવિક રીતે પાણીની જરૂરિયાત વધી છે. આટલી મોટી વસતીને પાણી પૂરું પાડવામાં વર્તમાન દોઢ ફૂટની પાઈપલાઈન નાની પડી રહી છે, તેથી ભવિષ્યને ધ્યાને લઈને નવી મોટી લાઈન નાખવામાં આવે, તો ભુજોડીથી પૂરતા પુરવઠાનું વહન થઈ શકે અને ગામની પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે. ગામના ભુજોડી સીમ સ્થિત બોરમાંથી માધાપર સુધી નવી લાઈન નાખવામાં અંદાજે વીસેક લાખનો ખર્ચ થાય તેમ છે, તેના માટે પ્લાન-એસ્ટિમેટ બનાવવા વગેરે માટે 18 ટકા જી.એસ.ટી. લાગે આ ખર્ચ પંચાયત શેમાંથી કરે તેવો પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે. જો કે, આ નવી લાઈન નાખવામાં આ ગામની અર્બન કે રૂરલ કેટેગરી નક્કી થતી ન હોવાથી વર્ષ 2016થી પાણી પુરવઠા હસ્તકની પાણીની કોઈ યોજનાનો લાભ ગામલોકોને મળતો નથી. ગામનો શહેરી વિસ્તારમાં સમાવેશ થતો હોવાથી બોર બનાવવાના ખર્ચનીયે મંજૂરી મળતી ન હોવાનું સરપંચ શ્રી ડાંગરે જણાવ્યું હતું. વળી, પંચાયત  બોર બનાવવા સ્વભંડોળમાંથી 10 ટકા લોકફાળો ભરવા તૈયાર છે, પરંતુ માધાપર શહેરી વિસ્તારમાં આવતું હોવાનું જણાવી પાણી પુરવઠા બોર્ડે હાથ ઊંચા કરી દીધા હતા. આ બાબતે સરપંચે સાંસદ વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરતાં તેમણે કલેક્ટર સાથે ચર્ચા કરી ઘટતું કરવાની ખાતરી આપી છે. ગામમાં નોંધાયેલી મિલકતોનો આંકડો 25 હજાર જેટલો છે, જેમાંથી રહેણાકના 10 હજાર પાણીનાં કનેકશન છે, જ્યારે ધંધાદારી અલગ. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગામમાં સર્જાયેલી પાણીની સમસ્યા બાદ પંચાયત દ્વારા 100 જેટલા ગેરકાયદે કનેકશનો કાપવામાં આવ્યાં હતાં, જેથી થોડીઘણી રાહત થઈ છે.

Panchang

dd