ભુજ, તા. 2 : સોશિયલ મીડિયામાં ખોટી આઈડી
બનાવી ભારતીય ચલણી નોટો તથા સસ્તાં સોનાના વીડિયો બનાવી લોકોને એક લાખના બદલે પાંચ
લાખ આપવાની લાલચ આપી છેતરવાનો પ્રયાસ કરનારા બે આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક
ગુનાશોધક શાખાએ ભુજથી ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂા. 5,31,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અલગ-અલગ નામની આઈડી
તથા ગ્રુપ બનાવી તેના મારફતે ભારતીય ચલણી નોટોના વીડિયો, જેમાં
થેલામાં ભરેલા બંડલોમાં ઉપરની એક નોટ સાચી અને બાકીના કોરા કાગળ તેમજ સોનાના બિસ્કિટનો
વીડિયો બનાવનારા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી અજરૂદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા
શેખને વાહેદના સ્કૂલના મેદાન પાસેથી ઝડપી લીધા હતા. લોકોને લોભામણી સ્કીમો બતાવી એક
લાખના પાંચ લાખ અને સસ્તાં સોનાની જાળમાં ફસાવી છેતરવાના પ્રયાસ કરનારા આ આરોપીઓ પાસેથી
ભારતીય ચલણના 100, 200 તથા
500ના દરની નોટોના બંડલોમાં રહેલી
22 સાચી નોટો કિં. રૂા. 4,500, ભારતીય મનોરંજન લખેલી નોટોના
534 બંડલ, સોના જેવી ધાતુના 14 બિસ્કિટ, 2 મોબાઈલ, નોટ ગણતરીનું મશીન તથા જીજે 18 ઈએફ 8500 નંબરની કાર કિં. રૂા. 5,00,000 મળી કુલ રૂા. 5,31,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એએસઆઈ અશ્વિન
સોલંકી, હેડ કોન્સ. પ્રવીન્દ્રસિંહ ચૌધરી, રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ
રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.