કાઠડા (તા. માંડવી), તા. 2 : જિલ્લામાં
વરસાદ ખેંચાતાં હવે માંડવી તાલુકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદના
અભાવે માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન
વ્યવસાય ઉપર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. અગાઉ પડેલા ઝાપટાં સ્વરૂપના વરસાદથી
વગડા અને ખેતરોમાં ઊગેલું સામાન્ય ઘાસ પણ હવે સંપૂર્ણપણે સૂકાઈ ગયું છે. બીજી તરફ માલધારીઓ
દ્વારા સંગ્રહ કરવામાં આવેલ સૂકો ચારો પણ ખલાસ થઈ જતાં પશુધન માટે ચારો મેળવવો મુશ્કેલ
બન્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પરથી પસાર થતાં ગાય-ભેંસ સહિતના પશુઓની દયનીય
સ્થિતિ જોવા મળે છે. કેટલાક પશુઓ એટલાં નબળાં પડી ગયાં છે કે તેમના શરીરનાં હાડકાં
સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે અનેક પશુઓ ચારા માટે ગાંડા બાવળનાં પાંદડાંમાં મોઢું નાખતાં
જોવા મળે છે. પશુઓની આવી સ્થિતિ જોઈને માલધારીઓ સહિત સામાન્ય લોકો પણ ચિંતિત બન્યા
છે. ચારા માટેની અછત વચ્ચે સૂકા અને લીલા ચારાના ભાવમાં પણ ભારે વધારો થયો છે. કાઠડાના
માલધારી અનિલ ગઢવીએ જણાવ્યું હતું કે, પશુઓ માટે ઉપયોગમાં લેવાતો
પરાળનો જથ્થો હાલમાં એક મણ એટલે કે 40 કિલોના રૂા. 600 સુધીના ભાવે મળી રહ્યો છે. જ્યારે કપાસના ઠાલિયા રૂા.800 અને લીલી જુવારના રૂા.500 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે.
આટલા ઊંચા ભાવ ચૂકવવા છતાં પણ જરૂરિયાત મુજબ ચારો મળતો નથી તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પશુપાલકો માટે પશુધનને નિભાવવું
દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. ચારા વગર પશુઓનું દૂધ ઉત્પાદન પણ સાવ ઘટી ગયું
છે. એક તરફ પશુઓને પૂરતો ચારો મળતો નથી, જેના કારણે દૂધ ઘટી રહ્યું
છે, તો બીજી તરફ દૂધના પૂરતા ભાવ મળતા ન હોવાથી માલધારીઓની આવક
ઉપર પણ અસર પડી રહી છે. પશુઓના નિભાવ પાછળનો ખર્ચ સતત વધી રહ્યો છે. આમ માલધારીઓ હાલ
બેવડી મુશ્કેલીમાં સપડાયા છે. તેમણે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, `આવો સમય ક્યારેય જોયો નથી. રૂપિયા આપવા
તૈયાર છીએ છતાં ચારો મળતો નથી. પશુઓની હાલત જોઈને દુ:ખ થાય છે. એક તરફ ચારા વગર દૂધ
ઘટી ગયું છે અને દૂધના ભાવ પણ પોષાય તેવા નથી. બીજી તરફ ચારો મોંઘો થઈ ગયો છે. શું
કરવું તે સમજાતું નથી.' વરસાદ ખેંચાતાં
ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માલધારીઓને રાહત મળે
તે માટે સબસિડીયુક્ત ભાવે ચારો ઉપલબ્ધ કરાવવો, ઘાસ ડેપો શરૂ કરવા
તેમજ પશુધન માટે જરૂરી સહાય પૂરી પાડવી જરૂરી બન્યું છે. હાલની સ્થિતિમાં જો સમયસર
સરકારી સહાય નહીં મળે તો આગામી દિવસોમાં પશુધન બચાવવાનો પડકાર માલધારીઓ માટે વધુ વિકટ
બની શકે છે.