નવી દિલ્હી,
તા. 9 : દેશની
સર્વોચ્ચ અદાલતે સોમવારે તમામ રાજ્યોને કડક શબ્દો સાથે સંદેશ આપતાં જણાવ્યું હતું કે, મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયાને કોઈ પણ સંજોગોમાં અવરોધી શકાશે નહીં,
જે કોઈ પણ આદેશો અથવા સ્પષ્ટતાઓ જરૂરી હશે, તે
અમે જારી કરીશું, પરંતુ અદાલત `સર'ની પ્રક્રિયામાં કોઈ જાતની છૂટછાટ બાંધછોડની
છૂટ નહીં આપે, તેવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું
હતું. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી
અને વિપુલ પંચોલીની ખંડપીઠે તમામ રાજ્યોને આવી તાકીદ કરી હતી. `સર'ની કવાયતને પડકાર ફેંકતાં અરજી કરનાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ અદાલતે ઝટકો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ
સૂર્યકાંતની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે, સરની આ પ્રક્રિયા ઉપર
કોઈ રોક મૂકી શકાય નહીં. કોર્ટ આ કામગીરીમાં વિક્ષેપ પડે તેવી કોઈ મંજૂરી નહીં આપે. મુખ્ય ન્યાયાધીશે આગળ એવું પણ કહ્યું હતું કે,
તમામ રાજ્યોએ આ બાબત સમજી લેવી જોઈએ. તેમણે કહ્યું, આ સંબંધમાં જે પણ સ્પષ્ટતા જરૂરી હશે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવશે.
આજની સુનાવણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજી પણ વકીલ
તરીકે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, એવું પણ બન્યું છે કે,
જો લઘુમતી બહુમતીવાળા વિધાનસભા મતવિસ્તારમાં 1000 મતદાર હતા, તો તેમાંથી 950 મતદારને તાર્કિક વિસંગતતા યાદીમાં મૂકવામાં આવ્યા છે.
આ દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા સામે વાંધો ઉઠાવવા માટે ભરવાના ફોર્મ 7 પર પણ ચર્ચા થઈ હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, આવા ઘણા વાંધાઓ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે કોણે
દાખલ કર્યા છે તે પણ જાણી શકાયું નથી. આવા લોકોએ સુનાવણી દરમિયાન પણ હાજર રહેવું જોઈએ,
જેથી તે જાણી શકાય કે વાંધા ઉઠાવનાર કોણ છે. એક વ્યક્તિ 1000થી વધુ વાંધાઓ દાખલ કરી રહી છે. આવી તમામ ફરિયાદો અજાણ્યા લોકોનાં નામે કરવામાં
આવે છે. આ કેસમાં અન્ય એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં મમતા બેનરજી કોર્ટમાં વકીલ તરીકે હાજર થયા તેની સામે વાંધો ઉઠાવવામાં
આવ્યો હતો. આ અંગે બેન્ચે કહ્યું, તેમાં એવું શું છે જેની સુનાવણી
કરવાની જરૂર છે ? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું,
જો કોઈ મુખ્યમંત્રી વકીલ તરીકે હાજર થાય છે, તો
તે આપણા બંધારણની તાકાત દર્શાવે છે. તેમાં કોઈ વાંધો નથી. આ મુદ્દે કોઈ રાજકારણ ન થવું
જોઈએ. મમતા બેનર્જીએ એસઆઈઆર સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આસામમાં આવું નથી થઈ રહ્યું, જ્યાં ભાજપ સત્તામાં છે,
પરંતુ જે રાજ્યોમાં વિપક્ષી દળો સત્તામાં છે ત્યાં જ ભાજપ આ પ્રક્રિયાને
આગળ વધારી રહી છે.