• મંગળવાર, 23 જુલાઈ, 2024

રૂસમાં આતંકી હુમલો : 15 મોત

મોસ્કો, તા. 24 : રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસચોકી પર હુમલો કર્યો હતો, જેમાં એક પાદરી અને 8 પોલીસકર્મીઓ સહિત કુલ 15 લોકોનાં મોત થયાં હતાં. 25 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે તેમજ, 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. પાદરી 66 વર્ષના હતા. જે યહૂદી ધર્મસ્થળ અને ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો તે દાગિસ્તાનના ડર્બેન્ટ શહેરમાં છે, જે મુખ્યત્વે મુસ્લિમ ઉત્તર કાકેશસમાં યહૂદી સમુદાયનો ગઢ છે, જ્યારે જે પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે તે ડર્બેન્ટથી 125 કિમી દૂર દાગિસ્તાનની રાજધાની મખાચકાલામાં છે. રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ પણ એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે. દાગિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સશત્ર હુમલાખોરોના એક જૂથે એક સિનેગોગ અને એક ચર્ચ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. કેટલાક ભાગી ગયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આતંકવાદી હુમલાને કારણે ડર્બેન્ટમાં એક સિનેગોગ અને એક ચર્ચમાં આગ લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયન સમાચાર એજન્સી `ટાસ'એ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરો એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. દાગિસ્તાને આ હુમલા માટે યુક્રેન અને નાટો દેશોને જવાબદાર ઠેરવ્યા છે. દાગિસ્તાનના નેતા અબ્દુલખાકિમ ગડઝિયેવે ટેલિગ્રામ પર લખ્યું, `એમાં કોઈ શંકા નથી કે આ આતંકવાદી હુમલા કોઈ ને કોઈ રીતે યુક્રેન અને નાટો દેશોની ગુપ્તચર સેવાઓ સાથે જોડાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang