અમદાવાદ, તા. 2 (હૃષિકેશ વ્યાસ તરફથી) : દેશ અને દુનિયા ગુજરાત મોડેલની ખૂબ પ્રશંસા થઇ રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાંના ભાજપના મસમોટા દાવાઓની પોલ ખૂલી ગઇ છે. ફક્ત કમળના સહારે જીતના દાવાઓ કરતા ભાજપે આ લોકસભા ચૂંટણીમાં જ્ઞાતિવાદ, ઓપરેશન લોટસ અને ઉમેદવાર ન પસંદ હોય તો માત્ર વડાપ્રધાન મોદીના નામનો સહારો લેવો પડયો છે. વિકાસની રાજનીતિને કોરાણે મૂકીને આ ત્રણ સમીકરણ પર ચૂંટણી લડતા ભાજપ માટે આ ચૂંટણી એ વટનો સવાલ છે. 26માંથી 26 બેઠક જીતીને હેટ્રીકના દાવાઓ વચ્ચે ભાજપે હાલ પૂરતું ગુજરાત મોડેલને કોરાણે મૂકી દીધું છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વારંવારના પાંચ લાખની સરસાઇના જીતના લક્ષ્યાંકમાં ભાજપ માટે હવે સ્વચ્છ ઉમદેવારની છબી સાઇડ થઇ ગઇ છે. તાજેતરમાં જ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખૂબ કબૂલ્યું છે કે, અત્યાર સુધી ભાજપને મજબૂત કરવા માટે કોંગ્રેસ અને આપના 300 નેતા અને 60 હજાર કાર્યકરનો પક્ષપલટો કરાવી ચૂક્યા છે. આગામી દિવસોમાં જ આ આયાતી કોંગ્રેસી અને જૂના ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે કડાકા-ભડાકા થાય તો નવાઇ નહી. એનો તાજેતરનો જ દાખલો અમરેલી લોકસભા બેઠક પરનો છે. ભાજપે લોકસભામાં 400 બેઠક જીતવાના દાવાઓ સાથે ગુજરાતમાં નવો પ્રયોગ કરીને લોકસભા ઉમેદવારોના નામ જાહેર થાય એ પહેલાં જ કાર્યાલયો ખુલ્લા મૂકી દીધાં હતાં. એ વખતે દાવાઓ કરાયા હતા કે, આ ચૂંટણી એ ઉમદેવારોના નામ પર નહીં, પણ કમળના પ્રતીક અને મોદીના નામ પર લડાશે. ગુજરાતમાં વિકાસની રાજનીતિથી ચૂંટણી નહીં લડાતાં આ દાવાઓ કડડભૂસ થઇ ગયા છે. દિલ્હી હાઇકમાન્ડ નહીં પણ પાટીલનું 5ાંચ લાખની લીડથી જીતવાનું પ્રેશર એટલું છે કે, શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીએ તમામ નિયમો કોરાણે મૂક્યા છે, જેને લઇને હાલ છ બેઠકના ઉમેદવારોના નામ પર કકડાટ ચાલી રહ્યો છે. ભાજપે બનાસકાંઠા જ નહીં ભરુચ, પોરબંદર, આણંદ બેઠક જીતવા માટે રીતસરનું છડેચોક ઓપરેશન લોટસ ચલાવ્યું છે. ભાજપ ભલે 26માંથી 26 બેઠક જીતવાના દાવાઓ કરી રહ્યો હોય, પણ હાલની સ્થિતિ અલગ છે. આ તો હાલ પૂરતું ફક્ત પિક્ચરનું ટ્રેલર છે, પણ આગામી દિવસોમાં પૂરી ફિલ્મ ચાલે તો નવાઇ નહીં. સૌથી મોટી બાબત એ છે કે, ભાજપના સ્થાનિક નેતાઓ આ કકડાટને ઠારવામાં નિષ્ફળ નીવડયા હોવા છતાં દિલ્હી હાઇકમાન્ડની ચૂપકીદી ભાજપના ચૂનંદા કાર્યકરોને સતાવી રહી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં સાબરકાંઠા અને વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવારો બદલાયા છતાં પણ ભાજપના કાર્યકરો ઉમેદવારો સ્વીકારવા તૈયાર નથી. ભૂતકાળમાં આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની આખી સરકાર બદલાઇ છતાં કોઇપણ નેતાએ વિરોધ કરવાની હિંમત કરી ન હતી. એનાથી ઉલટું આજે ભાજપમાં બગાવતનો સૂર ઊઠી રહ્યો છે. રાજકોટમાં રૂપાલાને અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને પાડી દેવા માટે પડદા પાછળ ખેલ ખેલાઇ રહ્યો છે. આ જ સ્થિતિ વડોદરા અને વલસાડની છે. આ કકડાટ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કેટલાક મોટા નેતાઓનો ભોગ લેશે.